પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


ધાર્મિકતાને અમાનુષી શક્તિઓ જોડે સંબંધ નથી. તેના આગળ તો એ શક્તિઓ મદારીના ખેલ જેવી તુચ્છ છે. એવી અમાનુષી શક્તિઓને (સિદ્ધિઓને) ધારણ કરનાર મનુષ્ય વાસનાઓને આધીન અને અહંકારી (અનાત્મામાં આત્મબુદ્ધિવાળો) હોય છે. ખરા ચારિત્ર્યને સંપાદન કરવું એજ સાચી ધાર્મિકતા છે. લૌકિક વસ્તુઓ અને અમાનુષી સિદ્ધિઓની વાસનામાંથી મુક્ત થવામાંજ તે સમાયેલી છે. જીવનના મહા પ્રશ્નોની આગળ એ અમાનુષી શક્તિઓ અતિશય અંતરાયકારક અને તુચ્છ છે; તેમને મેળવવાનો પ્રયાસ કરવો એ મિથ્યા શ્રમ અને મોટું અજ્ઞાન છે. સ્વાર્થીપણાની તે નિશાની છે અને આખરે તે માનસિક અને શારીરિક અધમતાનેજ પ્રાપ્ત કરાવે છે. આ અધમ વસ્તુની લાલચેજ આપણી સઘળી પ્રજાને ખરાબ કરી મૂકેલી છે. તમારી આસપાસ જીવનનાં મહાસત્યો પ્રસરી રહેલાં છે. તેમના તરફ લક્ષ કરો. તમારાં ગીતા અને ઉપનિષદ જેવા અપૂર્વ ગ્રંથોનો અભ્યાસ કરો. તમારા મહાન પૂર્વજો – ઋષિમુનીઓ માનવજીવનના જે સર્વોચ્ચ આદર્શ સમજાવી ગયા છે તેને લક્ષમાં ઉતારો. તેને સાધ્ય કરવાના જે સાદા સીધા અને સ્વાભાવિક માર્ગો તેમણે દર્શાવ્યા છે તેનું અવલંબન કરો. ગોરી ચામડી અને અંગ્રેજી ગોટપીટથી મોહાઈ જઈ, જેના તેના પંજામાં ફસાઈ જઈ, અક્કલ ઉપર અંધશ્રદ્ધાના પત્થરના થર ઉપર થર ન ચડાવ્યા જાઓ. અત્યારે આપણા લોકોની સામાન્ય સ્થિતિ કેવી થઈ પડી છે તે તરફ પણ લક્ષ્ય આપો.”

“અત્યારે તો આપણને બુદ્ધિ, વ્યવહારિકતા, જાહેર હિંમત અને ખરૂં મનુષ્યત્વ પ્રાપ્ત કરાવે, આપણને મનુષ્ય બનાવે અને આપણને આપણા ઉપર આધાર રાખવાની શક્તિ પ્રાપ્ત કરાવે એવા ધર્મ અને તત્ત્વજ્ઞાનની જરૂર છે. અત્યારે તો આપણામાં આત્મશ્રદ્ધા ઉત્પન્ન કરે, સ્વમાનની લાગણી જગાડે અને આપણી આસપાસના