પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


મને રજા આપો તો હું લોટ વગેરે લાવું અને તમે તમારે હાથે બનાવો ! ” તે વખતે સંન્યાસી તરીકે હું અગ્નિને અડકતો નહોતો અને તેથી મેં તેને કહ્યું “તમે તમારા હાથની બનાવેલી લાવો. હું તે ખુશીથી ખાઈશ !” આ સાંભળીને તે માણસ ડરવા લાગ્યો. તે માણસ ખેત્રીના રાજાની રૈયત હતો. જો રાજા એમ જાણે કે એક મોચીએ પોતાને હાથે બનાવેલી રોટલી એક સંન્યાસીને ખવરાવી તો તેને રાજ્યમાંથી કહાડી મૂકે કે કોઈ શિક્ષા કરે એમ માણસ મનમાં વિચારવા લાગ્યો. મેં તેને કહ્યું કે તેણે જરાએ બ્હીવું નહિ અને રાજા તને જરાએ શિક્ષા કરશે નહિ. તેને મારા કહેવા ઉપર વિશ્વાસ આવ્યો નહિ. છતાં તેનું અંતઃકરણ ઘણું જ દયાળુ હતું તેથી તે પોતાને હાથે રોટલી બનાવીને લઈ આવ્યો. મને શંકા છે કે દેવાધિદેવ ઇંદ્રે એક અમૃતનો પ્યાલો લાવીને મારી આગળ મૂક્યો હોત તો તે પણ તેનાથી વધારે સ્વાદિષ્ટ અને લાગત નહિ ! પ્રેમ અને આભારથી મારી આંખમાં આંસું આવી ગયાં. મેં મનમાં વિચાર કર્યો: “આવાં વિશાળ હૃદયવાળાં હજારો મનુષ્યો ઝુંપડાંઓમાં વસી રહેલાં છે અને આપણે તેમને હલકી જાતના અને અસ્પૃશ્ય ગણીને ધિક્કારીએ છીએ !” પાછળથી જ્યારે રાજાની જોડે મારે બરાબર ઓળખાણ થઈ ત્યારે મેં તેમને આ ઉમદા વાત કહી. રાજાએ તેને પોતાની સમક્ષ બોલાવ્યો. તે માણસ બ્હીતો બ્હીતો ત્યાં આવ્યો અને રાજા સખત શિક્ષા કરશે એમ મનમાં ધારવા લાગ્યો. પણ રાજાએ તેની પ્રશંસા કરી અને તેની અનેક ઇચ્છાઓ પુરી પાડી.”

અવલોકન શક્તિ અને વિવેક વિચારાદિથી અલંકૃત થયેલા સાધુનું જીવન અમૂલ્ય શિક્ષણની શાળા છે. આવા સાધુઓ દેશના ઇતિહાસ અને ભૂગોળનાં જીવંત સ્વરૂપ હોઈ અજ્ઞાનમાં ઉછરી રહેલા સામાન્ય વર્ગોને તેઓ શિક્ષણ પુરું પાડે છે. સ્વામી વિવેકાનંદે