પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૨૬


સ્વામી વિવેકાનંદજીનાં પ્રભાવશાળી વ્યાખ્યાનો કથોપકથનો, પત્રો, વગેરેને લગતાં જે પુસ્તકો આ સંસ્થાદ્વારા નિકળી ચૂક્યાં છે, તે ઉપરથી એ અસામાન્ય વ્યક્તિનું મહત્વ ગુજરાતી પાઠકવર્ગે જાણ્યું છે જ; પરંતુ એ ઉપરાંત એવા અસામાન્ય પુરૂષોની બાલ્યાવસ્થા, વિધાર્થી અવસ્થા, સાધકાવસ્થા, તેમનાં લોકસેવાનાં કામો, તેમની રહેણી, તેમની દીનચર્યા, તેમનાં પર્યટણો, તેમના અનુભવો, વગેરે બીજી પણ અનેક બાબતો ખાસ જાણવા જેવી અને બોધપ્રદ છે.

સ્વામી વિવેકાનંદજીના જીવનને લગતાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થએલાં અનેક પુસ્તકો ઉપરથી શ્રીયુત્ રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈએ એવી અનેક હકીકતો બનતા શ્રમ અને કાળજીપૂર્વક મેળવીને આ પુસ્તકમાં ગુંથી છે. સ્વામીજીનાં વ્યાખ્યાનો વગેરેનું ઘણુંખરૂં સાહિત્ય આ સંસ્થા તરફથી અગાઉ નિકળી ચુકેલું હોવાથી તેને લગતા ઉતારાઓ તેમજ બીજા કેટલાંક સામાન્ય વર્ણનો અને વિવેચન વગેરે તેમણે આમાં કેટલુંક ટુંકાવીનેજ લખ્યું હતું; છતાં સંપાદક તરિકે એમાં આ સેવકે પણ જ્યાં જ્યાં વિશેષ વધઘટ, ઠીકઠાક વગેરે કરવા જેવું લાગ્યું ત્યાં ત્યાં તેમ કરવાની ઘટતી છૂટ લીધી છે. વળી ધાર્મિક મહાત્માઓને અવતાર બતાવી તેમનું મહત્વ વધુ દેખાડવામાં કાંઈ નહિ તો લોકો માટે ઉચ્ચ જ્ઞાન ચારિત્રની અશક્યતા દેખાડવા જેવું તો અવશ્ય બને છેજ; આથી કરીને અંગ્રેજી ગ્રંથોમાંની એવી હકીકત આમાં લેવાઈ નથી. આ રીતે આ ગ્રંથ તેના હાલના આકારમાં તૈયાર થઈ વાંચકવર્ગની સેવામાં રજુ થયો છે. અનુભવી સજ્જનોને એમાં જે કાંઈ ન્યૂનતા જેવું અથવા વધઘટ કરવા જેવું લાગે, તો તે બાબત તૈયાર કરી મોકલીને બીજી આવૃત્તિ વખતે તેનો આભાર સહિત સદુપયોગ કરવા સગવડ આપવાની તેમને નમ્ર પ્રાર્થના છે.

શ્રાવણી પૂર્ણિમા-સં. ૧૯૭૭.
ભિક્ષુ-અખંડાનંદ.