પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૩
મદ્રાસ અને હૈદ્રાબાદ.


સાંભળ્યો ન હોય તેમ સ્વામીજી હુક્કો ગગડાવ્યાજ હતા. થોડીવાર પછીથી તેમણે પોતાની આંખો પુરેપુરી ઉઘાડી અને જાણે જવાબ આપતા હોય તેમ સામા પૂછવા લાગ્યાઃ “મારા મિત્ર ! તમે શક્તિ ( Energy ) કોને કહો છો ?” સવાલ પૂછનાર માણસને શક્તિની વ્યાખ્યા મોઢે આવડતી હતી, કારણ કે તે વિજ્ઞાનશાસ્ત્રનો અભ્યાસી હતો અને તેથી તે એક પોપટની માફક તે વ્યાખ્યા કડ કડ બોલી ગયો. પણ સ્વામીજીએ તેના જવાબને અનેક સવાલો કરીને તોડી નાંખ્યો. બીજાઓએ તે સમજાવવાનો યત્ન કર્યો, તેમને પણ સ્વામીજીએ સહેલાઈથી હંફાવ્યા. આખરે તેઓએ પોતાની વાત પડતી મૂકી. પછીથી સ્વામીજી જરા ટટાર થઈને બોલવા લાગ્યાઃ “આ શું ! તમારાથી મનુષ્યમાં રહેલા શક્તિ જેવા એક સાદા અને સર્વ ગમ્ય પદાર્થની પણ વ્યાખ્યા આપી શકાતી નથી ! તમે તે શબ્દને હમેશાં વાપરો છો તોપણ તેની યોગ્ય વ્યાખ્યા તમે આપી શકતા નથી અને મને ઈશ્વરની વ્યાખ્યા આપવાનું કહો છો !” પછીથી સ્વામીજીએ ઈશ્વર અને શક્તિ બંનેનો ખ્યાલ એવા તો ઉચ્ચ અને સ્પષ્ટ વિચારોમાં તેમને આપ્યો કે તેઓ સઘળા દંગ થઈ ગયા. તેમના બીજા પણ અનેક પ્રકારના યથાર્થ અને સચોટ ઉત્તર સ્વામીજીએ આપ્યા, પછી સ્વામીજીએ તેમને કહ્યું કે તેમની બુદ્ધિ આડે માર્ગે દોરાઈ ગયેલી છે. પ્રાચીન ઋષિમુનિઓના સિદ્ધાંતોને તોડવામાં તેઓ માત્ર પોતાનું અજ્ઞાન અને મૂર્ખતાજ દર્શાવી રહેલા છે. એ પછી રા. આયરના મિત્રો ત્યાંથી ચાલ્યા ગયા હતા, પણ તે પોતે તો ત્યાંજ બેસી રહ્યા. સ્વામીજીના જ્ઞાનથી ઘણી ઉંડી અસર તેમના મન ઉપર થઈ હતી. પાછલા પહોરે સર્વે બહાર ફરવા નીકળ્યા અને સમુદ્રને કિનારે જઇને બેઠા. ત્યાં અનેક વિષયો ઉપર વાર્તા ચાલી રહી. સ્વામીજીએ રા. આયરને પૂછ્યું: “મારા મિત્ર, તમે કુસ્તી કરી શકો