પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણ ૩ર મું – પશ્ચિમના પ્રવાસની તૈયારી અને
સમુદ્ર યાન.

પ્રવાસનો નિશ્ચય.

હૈદ્રાબાદથી સ્વામીજી પાછા મદ્રાસ આવ્યા. પશ્ચિમમાં જવાનો વિચાર હવે તેમના મનમાં વધારે જોરથી ઘોળાવા લાગ્યો. ઘડીકમાં તે આશા પૂર્ણ બની રહેતા અને ઘડીકમાં તેમને નિરાશા ઉત્પન્ન થઈ રહેતી. વારે ઘડીએ તેઓ શ્રીજગદંબાને પ્રાર્થના કરતા કે “તારો હુકમ શો છે ?” તેમને યાદ આવ્યું કે શ્રી શારદાદેવી સાક્ષાત્‌ જગદંબાજ છે, લાવ તેમને લખીને પૂછું ! તેઓ કહેશે તેમ હું કરીશ.

શ્રી શારદાદેવી શ્રી રામકૃષ્ણનાં પત્ની હતાં. સ્વામી વિવેકાનંદ તેમને જગદંબા સમાન ગણતા અને શારદાદેવી શ્રીરામકૃષ્ણના શિષ્યોને પોતાના પુત્રોજ ગણતાં. સ્વામીજીએ શ્રી શારદાદેવીને પૂજ્યભાવ, મૃદુતા અને પ્રેમથી ભરેલો પત્ર લખ્યો. તેમાં સ્વામીજીએ પોતાનો પશ્ચિમમાં જવાનો વિચાર દર્શાવીને તે બાબતમાં શારદાદેવીને સલાહ અને આશિર્વાદ તેમણે માગ્યાં હતાં અને તેમણે એ વાત કોઈને જણાવવી નહિ એવી વિનતી પણ કરી હતી. કાગળ લખીને બંધ કર્યા પછી સ્વામીજીએ તેને પોતાને મસ્તકે ઘણા પૂજ્યભાવથી ધર્યો અને પછીથી તેને ટપાલમાં મોકલી આપ્યો.

કાગળ શ્રીશારદાદેવીને મળતાં તેમના હર્ષનો પાર રહ્યો નહિ. ઘણા દિવસથી તેમને તેમના વ્હાલા નરેન્દ્રની ખબર મળી નહોતી. સ્વામીજી તેમના ગુરૂદેવના વ્હાલામાં વ્હાલા શિષ્ય હતા; તેમ શ્રીશારદાદેવીને પણ તે ઘણાજ પ્રિય હતા. શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી સ્વામીજીમાં જે અસાધારણ પ્રતિભા ખીલી આવી હતી તે ઉપરથી