પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


શ્રી શારદાદેવી એમજ માનતાં હતાં કે નરેન્દ્રના શરીરદ્વારા શ્રીરામકૃષ્ણજ સઘળું કાર્ય કરી રહેલા છે. ઘણીવાર તે નરેન્દ્રને સંભારતાં અને તે ક્યાં હશે ? તે પગે ચાલીને અહીં તહીં ફરતો હશે, તે થાકી ગયો હશે, હું તેને માટે શું કરું ? એવા એવા અનેક વાત્સલ્યપૂર્ણ વિચાર તે અનેકવાર કરતાં. તે સાધુ આત્મા છે, પવિત્ર છે, આધ્યાત્મિકતાનો તેનામાં વાસ છે, તેનું જીવન ધન્ય છે, એમ કહીને તે પોતાનું મન વાળતાં.

સ્વામીજીનો પત્ર વાંચતાં ધર્મ સેવા માટેની તેમની તત્પરતા જોઇને શારદાદેવી ઘણાંજ ખુશી થયાં. નરેન્દ્ર આખી પૃથ્વીમાં એકલો ઘુમે તો પણ તેને હરકત થનાર નથી એમ તેમને લાગ્યું અને પોતાના આશિર્વાદ પત્રદ્વારા તેમણે લખી મોકલ્યો. પત્રમાં તેમણે પ્રેમ અને સલાહથી ભરેલાં ઘણાં વચન લખી મોકલ્યાં.

જ્યારે સ્વામીજીને શારદાદેવીનો પત્ર મળ્યો ત્યારે તેને વાંચીને તે નાચ્યા, કુદ્યા અને તેમની આંખોમાં આનંદનાં અશ્રુ આવી ગયાં. તે પોતાની ઓરડીમાં ગયા અને પછીથી સમુદ્રને કિનારે ગયા અને ત્યાં એકાંતમાં છેવટના વિચારો કરી લઈ પશ્ચિમમાં જવાનો નિશ્ચય દૃઢ કર્યો. તે પોતાના મનમાં કહેવા લાગ્યા કે “હા, હવે બધું નક્કી થયું ! શ્રીજગદંબાની એજ ઈચ્છા છે કે મારે પશ્ચિમમાં જવું !”

મદ્રાસમાં બાબુ મન્મથનાથ ભટ્ટાચાર્ય ને ઘેર સ્વામીજીનો મુકામ હતો. સમુદ્ર કિનારેથી તે ઘેર પાછા આવ્યા ત્યારે તેમના મુખ ઉપર એક પ્રકારનું તેજ છવાઈ રહેલું હતું. ઘરમાં તેમના ઘણા શિષ્યો એકઠા થયા હતા. સ્વામીજી ઘરમાં પેસતે પેસતે “હવે તો પશ્ચિમનીજ વાત, હવે તો બસ પશ્ચિમનીજ વાત ! હવે હું તૈયાર છું; શ્રી જગદંબાનો એજ હુકમ છે.” આ પ્રમાણે બોલવા લાગ્યા. સઘળા શિષ્યો એ સાંભળીને ઉત્સાહમાં આવી ગયા અને ફંડ એકઠું કરવાને નીકળી પડ્યા.