પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


તૈયારી કરવાની હતી. રાજાજી તેમને જયપુર સુધી વળાવવાને ગયા. રાજાજીએ પશ્ચિમના પ્રવાસને માટે જોઈતાં સાધનોમાં ઘણીજ મદદ કરી અને સ્વામીજીને રીઝવર્ડ કરેલા ફર્સ્ટ કલાસના ખાનામાં બેસાડીને રાજાજી વિદાય થયા.

પશ્ચિમના પ્રવાસની સઘળી તૈયારી કરી આપવા માટે ખેત્રીના રાજાએ પોતાના ખાનગી કારભારી જગમોહનલાલને સ્વામીજીની જોડે મુંબઈ મોકલ્યા હતા. જગમોહને સ્વામીજીને માટે ભાતભાતનાં સુંદર રેશમી અને કસબી કપડાં ખરીદવા માંડ્યાં. સ્વામીજીએ તેની ના પાડી અને માત્ર એક ભગવો ઝભ્ભોજ બસ થશે એમ કહેવા લાગ્યા. જગમોહને કહ્યું કે તમે રાજાજીના ગુરૂ છો અને એક રાજાના ગુરૂ જેવા પોશાકમાંજ પશ્ચિમમાં હાજર થવાની આપ કૃપા કરો એવી અમારા રાજાની નમ્ર ઈચ્છા છે.

ખેત્રીના મહારાજાએ પોતાના ગુરૂને એક રાજગુરૂને છાજે તેવાં ઉત્તમ વસ્ત્રોથી સજ્જ કરવાનું અને બીજી તૈયારી પણ તેવી જ રીતે ઉત્તમ પ્રકારની કરી આપવાને પોતાના કારભારીને આજ્ઞા કરી હતી અને તેને માટે પુરતું દ્રવ્ય પણ આપ્યું હતું. જગમોહને સ્વામીજીને “પેનીન્શ્યુલર” સ્ટીમરમાં ફર્સ્ટ ક્લાસની ટીકીટ લઇ આપી અને દરેક રીતે મુસાફરીની ઉત્તમ સગવડ કરી આપી.

સ્વામીજીના ગુરૂભાઇઓ કલકત્તામાં પોતાનો સમય ધ્યાન ભજનમાં ગાળતા હતા અને વખતે એક બીજાને પુછતા હતા કે “નરેન્દ્ર ક્યાં હશે ?” પણ સ્વામીજી ક્યાં છે તેની કોઈને ખબર નહોતી. સ્વામીજીએ કેટલાક સમય સુધી પોતાનું સંન્યાસનું નામ સ્થિર થવા દીધું નહોતું કે જેથી કરીને તેમના ગુરૂભાઈઓ તેમના વિષે કાંઈ પણ જાણે નહિ અને તેમની પાછળ આવે નહિ. કોઈ સ્થળે તે “વિવિદિશાનંદ” અને કોઈ સ્થળે તે જ “સચ્ચિદાનંદ” ને નામે