પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૫
પશ્ચિમના પ્રવાસની તૈયારી અને સમુદ્રયાન.


ઓળખાતા હતા. ખેત્રીના મહારાજાની ઇચ્છાથી આખરે તેમણે “વિવેકાનંદ” નામ નકીપણે ધારણ કર્યું હતું અને પછીથી એ નામથીજ તે હમેશાં ઓળખાતા હતા.

સને ૧૮૮૩ ના મે માસની તારીખ ૩૧ મીએ સ્વામીજીની સ્ટીમર મુંબઈથી ઉપડી. અમેરિકાના શિકાગો નગરમાં ભરાનારી સર્વ ધર્મ પરિષદ્‌માં હાજર થઈ પોતાનું કાર્ય બજાવવાને માટે સ્વામીજી કેવા સજ્જ થએલા હતા તે વિષે લખતાં એક લેખક લખે છે કે – “પોતાના હિંદના પ્રવાસમાં સ્વામીજીએ બુદ્ધ અને જૈન ધર્મના રહસ્યનો અને રામાનંદ તથા દયાનંદના સિદ્ધાંતોનો બારીક અભ્યાસ કર્યો હતો. તુલસીદાસ અને નિશ્ચલદાસના તે મોટા અભ્યાસી બની રહ્યા હતા. દક્ષિણ હિંદુસ્તાન અને મહારાષ્ટ્રના સાધુઓ વિષે તેમણે પુષ્કળ જ્ઞાન મેળવ્યું હતું. હિંદના મોટામાં મોટા પરમહંસ પરિવ્રાજકાચાર્યથી તે નાનામાં નાના લાલગુરૂના ભંગી અને મેહેતર શિષ્યોની ભાવના અને આશયોનું તેમણે બારીક અધ્યયન કર્યું હતું. મુગલાઇ રાજ્ય ભારતવર્ષના પ્રજાકીય જીવનને જરાકે બાધ કરતા નહોતું એમ તેમની દૃષ્ટિમાં સ્પષ્ટપણે જણાઈ ચુક્યું હતું. વિચારની વિશાળતામાં “અકબર” એક ખરેખરો હિંદુ હતો અને તે અભેદદર્શી હતો. સ્વામીજીને મન “તાજમહેલ” એ આરસપહાણની બનાવેલી શકુંતલા હતી. કબીર, નાનક, મીરાંબાઈ, અને તાનસેન વગેરેનાં ભજનો તેમના મુખમાં રમી રહ્યાં હતાં. પૃથુરાજ, દીલ્લી, ચિતોડ, પ્રતાપસીંહ, શિવ અને ઉમા, રાધા અને કૃષ્ણ, સીતા અને રામ, તેમજ બુદ્ધની અનેક કથાઓ તેમના સ્મૃતિપટ પર તરી રહી હતી. જ્યારે તેમના વિષે સ્વામીજી વાત કરતા ત્યારે દરેક બનાવ અદ્ભુત રીતે શ્રોતાના મનમાં ખડા થઈ રહેતો. તેમનું શરીર, બુદ્ધિ, હૃદય અને અંતઃકરણ, એ સર્વ તેમનાં દેશનાં પ્રતિભાશાલી