પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


પુરૂષાર્થ કર્યા જાય છે. ચીનમાં અને જાપાનમાં લોકોની ધાર્મિક પ્રવૃત્તિઓ અને દેવાલય સ્વામીજી ખાસ કરીને જોતા હતા. તેમનો અભ્યાસ કરતાં તેમને સમજાતું હતું કે ચીનમાં બંગાળી ધર્મોપદેશકો ગયા હતા અને પોતાના બોધ વડે તેમણે ચીનના સુધારા ઉપર ભારે અસર કરી હતી. જાપાનમાં અનેક દેવાલયમાં સંસ્કૃત મંત્ર દિવાલો ઉપર કોતરેલા તેમની નજરે આવ્યા હતા અને સંસ્કૃતનું જ્ઞાન ધરાવનારા કેટલાક ધર્મગુરૂઓ પણ તેમને મળ્યા હતા. જાપાનમાં સ્વામીજી સર્વત્ર જોતા હતા અને ખુશી થતા હતા કે “જાપાની લોકો હિંદુસ્તાનને હજી પણ એક ઉચ્ચ અને શુભ વિચારોથી ભરેલી ભૂમિ તરીકે ગણે છે. ત્યાંના લોકોની પ્રવૃત્તિ, ઉદ્યોગ અને જીવન જોઈને સ્વામીજીએ હિંદવાસીઓને જાપાનનો દાખલો લેવાનું લખી મોકલ્યું હતું. તેમના શબ્દો નીચે પ્રમાણે હતાઃ—“એક ટુંકા પત્રમાં જાપાની લોકો વિષે હું સઘળું લખી શકું તેમ નથી. મારે લખવાનું માત્ર એટલું જ છે કે આપણા કેટલાક યુવાનોએ પ્રતિવર્ષ ચીન અને જાપાનમાં જવું જોઈએ. ખાસ કરીને જાપાનમાં તેમણે જવું જોઈએ, કારણ કે જાપાની લોકો ભારતવર્ષને હજી પણ ઉચ્ચ અને શુભ વિચારોનું સ્થાન ગણે છે. પરંતુ ભારતવાસીઓ! તમે કેવા બની ગયા છો ? વ્યર્થ વાતો કરનારા મુર્ખાઓ ! તમે અહીં આવો, આ લોકોને જુવો અને શરમાઇને તમારું મોં સંતાડો ! આવો, ખરા મનુષ્યો બનો. આવો, તમારાં સાંકડાં દરોમાંથી બહાર આવો અને જગત તરફ દૃષ્ટિ કરો. હિંદુસ્તાનને એક હજાર યુવાન મનુષ્યોના આત્મભોગની જરૂર છે. અને આ આત્માભોગ મનુષ્યનો અને નહિ કે જંગલીઓનો !”