પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૧
અમેરિકામાં પડેલી મુશ્કેલીઓ.


પણ સ્વામીજીને કોણ ત્યાં પેસવા દે ! તેમને કોઈ સાથે ઓળખાણ નહોતું. આખી દુનિયાના ધર્મોપદેશકોને ત્યાં બોલાવવામાં આવ્યા હતા અને તેઓ દરેક અનેક પ્રમાણપત્રો લઈને ત્યાં આવ્યા હતા. સ્વામીજી પાસે એક પણ પ્રમાણપત્ર (સર્ટીફીકેટ) નહોતું. દેશ દેશમાંથી ધર્મના પ્રતિનિધિઓ આમંત્રણ સ્વીકારીને આવ્યા હતા અને તેમને માટે સઘળી સવડ ત્યાં કરવામાં આવી હતી. સ્વામીજીને આમંત્રણ પણ નહોતું અને પાસે પ્રમાણપત્ર પણ નહિ, એટલે એમનો ભાવ ત્યાં કોણ પુછે ? સર્વધર્મ પરિષદ્‌માં શી રીતે જવું એ સવાલ ભારે થઈ પડ્યો. જ્યાં મોટા મોટા સુપ્રસિદ્ધ ધર્મોપદેશકો, ખ્રિસ્તી ધર્માધ્યક્ષો અને પ્રોફેસરો એકઠા થવાના હતા, ત્યાં સ્વામીજી જેવા એક અપ્રસિદ્ધ મનુષ્યને પેસવાની રજા ક્યાંથી મળે ? પણ પ્રભુનું કાર્ય કરવાને અંતકરણપૂર્વક તૈયાર થઈ રહેલા મનુષ્યને પ્રભુ અલૌકિક રીતેજ મદદ કરે છે. સ્વામીજીની બાબતમાં તેમજ થયું. બોસ્ટનમાં અનેક મનુષ્યો તેમને મળવાને આવતા હતા. એક દિવસ સ્વામીજીની ખ્યાતિ સાંભળીને હાર્વર્ડ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર જે. એચ. રાઇટ તેમને મળવાને આવ્યા. સર્વ ધર્મપરિષદ્‌માં જવાની આશા સ્વામીજીએ હવે લગભગ છોડીજ દીધી હતી. પ્રોફેસર રાઈટ સ્વામીજીની શક્તિ જોઇને ચકિત થઈ ગયા અને કહેવા લાગ્યા કે તેમણે સર્વધર્મપરિષદમાં હિંદુ ધર્મના પ્રતિનિધિ તરીકે હાજર થવું જોઈએ. સ્વામીજીએ પોતાની મુશ્કેલીઓ જણાવી અને કહ્યું કે તેમની પાસે એક પણ પ્રમાણપત્ર નથી. પ્રોફેસર રાઈટ તુરતજ બોલી ઉઠ્યાઃ “સ્વામી, તમારી પાસે પ્રમાણપત્ર (સર્ટીફીકેટ) માગવું એ સૂર્યને પ્રકાશવાનો હક્ક છે કે નહિ એવું પુછવા બરાબર છે !” પછી પ્રેફેસરે ખાત્રી આપી કે સર્વધર્મપરિષદ્‌માં હિંદુ ધર્મના પ્રતિનિધિ તરીકે ઉભા રહેવાની સઘળી ગોઠવણ તે સ્વામીજીને કરી આપશે. પ્રોફેસરને પરિષદ્‌ના