પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૩
સર્વધર્મ પરિષદ.

સલાહ આપી. તેનું નામ મીસીસ જ્યોર્જ ડબલ્યુ. હેલ હતું. તેના પતિ અને છોકરા જોડે પણ સ્વામીજીને અત્યંત ગાઢ સંબંધ બંધાયો હતો.

સ્વામીજીમાં હવે નવોજ ઉત્સાહ આવી રહ્યો. મીસીસ હેલની જોડે તે પરિષદના કાર્યવાહકોને મળ્યા અને તેમને એક પ્રતિનિધિ તરીકે સ્વીકારવામાં આવ્યા, પૂર્વના બીજા પ્રતિનિધિઓ સાથે તેમને પણ દરેક પ્રકારની સગવડપૂર્વક રાખવામાં આવ્યા. સ્વામીજી હવે સ્વસ્થ થયા અને ઘણો ખરો સમય આત્મધ્યાનમાં ગાળવા લાગ્યા.

પ્રકરણ ૩૪ મું-સર્વધર્મ પરિષદ.

સને ૧૮૯૩ ના સપ્ટેમ્બર માસમાં શિકાગોમાં સર્વ ધર્મપરિષદ ભરવામાં આવી હતી. જગતના ઇતિહાસમાં એ પરિષદ એક અગત્યના બનાવરૂપ હતી. જગતમાં ચાલતા સર્વ મુખ્ય ધર્મોના વિચારો, શિક્ષણ, અને આદર્શોનું તેમાં દિગ્દર્શન કરાવવામાં આવ્યું હતું. તેણે માનવજાતિના ધાર્મિક વિચારોને મજબુત પાયા ઉપર મુક્યા છે. પાશ્ચાત્ય પ્રદેશોમાં તેણે નવીન ભાવનાઓ જાગૃત કરેલી છે. તેણે પૂર્વ અને પશ્ચિમનો મુકાબલો કરેલો છે. એ પરિષદ્‌ના વૈજ્ઞાનિક ભાગના પ્રમુખ ઓનરેબલ મેરવીન–મેરી સ્નેલ લખે છે કે,

"એ પરિષદ્‌થી જગતને મોટામાં મોટો ફાયદો તો એ થયો છે કે તેણે ખ્રિસ્તીઓને અને ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ્સના લોકોને શિખવ્યું છે કે જગતમાં ખ્રિસ્તીધર્મ કરતાં વધારે માનનીય, વધારે ઉંડા તત્ત્વજ્ઞાનવાળા, વધારે આધ્યાત્મિકતાવાળા, વધારે સ્વતંત્ર વિચારયુક્ત,