પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


હૃદયની વિશાળતા અને પ્રમાણિકતાનો વધારે ઉંડો બોધ કરનારા અને નૈતિક તત્ત્વમાં તેનાથી જરાક પણ ઉતરે નહિ તેવા અન્ય ધર્મો જગતમાં અસ્તિત્વ ધરાવે છે. એ પરિષદમાં ખ્રિસ્તી ધર્મ શિવાયના બીજા આઠ ધર્મોને પ્રતિપાદન કરવામાં આવ્યા હતા. તે નીચે પ્રમાણે હતાઃ–હિંદુધર્મ, જૈનધર્મ, બુદ્ધધર્મ, યાહુદીધર્મ, ચીનાઈ ધર્મ, શીંટોધર્મ, ઇસ્લામધર્મ અને જરથોસ્તી ધર્મ”

જરથોસ્તી ધર્મને પ્રતિપાદન કરવા માટે મુંબાઈના કેટલાક પારસીઓએ નિબંધ લખી મોકલ્યા હતા. શીંટોધર્મ, ચીનાઈધર્મ અને ઇસ્લામધર્મને માટે એકેક પ્રતિનિધિ હાજર થયા હતા. યાહુદી ધર્મના ઘણા પ્રતિનિધિઓ ત્યાં આવ્યા હતા. પણ તેમનાથી કાંઈ ભારે અસર થઈ નહોતી. મી. વીરચંદ રાઘવજી ગાંધી જૈનધર્મના પ્રતિનિધિ તરીકે ત્યાં આવ્યા હતા અને તેમનાં ભાષણોથી શ્રોતાઓનાં મન ઉપર સારી અસર થઈ હતી. જાપાન અને સીલોનમાંથી ઘણા બુદ્ધધર્માનુયાયીઓ આવ્યા હતા અને તેમનાથી પણ ઘણા માણસો આકર્ષાયા હતા. હિંદુધર્મની કેટલીક શાખાઓના પ્રતિનિધિઓ આવ્યા હતા. શ્રી. મણિલાલ નભુભાઈએ કેટલાક નિબંધ લખી મોકલ્યા હતા તે વંચાયા હતા અને તેના ઉપર વિવેચન કરવામાં આવ્યું હતું. બ્રહ્મોસમાજ તરફથી પી. સી. મજમુંદાર અને એન. બી. નગરકર આવ્યા હતા. ખ્રિસ્તી ધર્મના અનેક ધર્માધ્યક્ષો, મોટા પાદરીઓ, ધર્મશાસ્ત્રીઓ અને તત્વજ્ઞાનીઓ હાજર થયા હતા. લગભગ એક હજાર કરતાં પણ વધારે નિબંધો ત્યાં વંચાયા હશે. આટલા વર્ણનથી વાંચકના મનમાં એ ધર્મપરિષદ્‌ના મહત્વનો ખ્યાલ આવી તેની ઉપયોગિતા સમજાશે. આવી ભવ્ય પરિષદમાં સ્વામી વિવેકાનંદ હાજર થવાના હતા અને “શુદ્ધ સનાતન હિંદુ ધર્મ” ઉપર પોતાનું વ્યાખ્યાન આપવાના હતા. પ્રતિનિધિઓના ક્રમમાં તેમનો નંબર ૩૧મો હતો.