પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૭
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


તે પરિષદ્‌માં મોટા મોટા પગારવાળા, મોટા મોટા અધિકારવાળા, અનેક મનુષ્યો ઉપર સત્તા ધરાવનારા અને પોતાના વિષયનું અદભુત જ્ઞાન ધરાવનારા અનેક ધર્મોપદેશકો આવેલા હતા. વળી શ્રોતાઓમાં અમેરિકાના વિદ્વાનો, સુશિક્ષિત અને બુદ્ધિશાળી પુરૂષો તથા સ્ત્રીઓ હતાં. આવા અસામાન્ય શ્રોતાઓની સમક્ષ ભાષણ આપવું એ કંઈ જેવું તેવું કાર્ય નહોતું. અત્યંત આત્મશ્રદ્ધા અને હિંમતની તેમાં જરૂર હતી. ત્યાં આવેલા ખ્રિસ્તી દેવાલયના મોટા મોટા ધર્માધ્યક્ષ અને પાદરીઓની આકૃતિઓ અતિશય ભવ્ય દેખાતી હતી. તેમની મુખમુદ્રાઓ ઉપર અધિકાર અને માન મરતબાનું તેજ છવાઈ રહેલું હતું. તેમની સાથે સરખાવતાં સ્વામીજી તદ્દન સાદા અને કંઈ પણ હિસાબ વગરના જણાતા હતા. પોતાનું વ્યાખ્યાન આપવાને તેમને પ્રમુખ તરફથી કેટલીકવાર કહેવામાં આવ્યું હતું પણ તેમણે “હમણાં નહિ” એવો જવાબ આપ્યા કર્યો હતો. સ્વામીજી તેમનું ભાષણ આપશે કે નહિ એવી પણ શંકા પ્રમુખને થઈ હતી. આખરે પ્રમુખનો આગ્રહ થવાથી સ્વામીજીએ પોતાનું ભાષણ છેક ત્રીજા પહોરે આપ્યું હતું.

ભાષણ કરવાને ઉભા થતી વખતે સ્વામીજીના મુખ ઉપર એક પ્રકારની જ્યોતિ છવાઈ રહી. તેમણે એક દ્રષ્ટિપાતથી સમસ્ત સભાને નિહાળી લીધી. શ્રોતાઓ આતુર બની રહ્યા. સર્વત્ર શાંતિ વ્યાપી રહી. પછી સ્વામીજીમાં રહેલો નર જાગૃત થયો. સપ્તર્ષિનો પ્રકાશ તેમના હૃદયમાં છવાઈ રહ્યો, સ્વાનુભવની જ્યોતિ તેમના અંતરાત્મમાં ઝળકી રહી, પરમાત્માની સ્તુતિ કરીને તેમણે પોતાનું ભાષણ કર્યું. શ્રોતાઓને તેમણે “અમેરિકાની મારી ભગિનીઓ અને ભ્રાતાઓ” કહીને સંબોધ્યા. તેમની અગાઉના કોઈપણ વક્તાએ આ પ્રમાણે સંબોધન કર્યું નહોતું, સઘળા શ્રોતાઓ તે સાંભળીને હર્ષમાં આવી ગયા. આખી સભામાં આનંદની