પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


લાગણી પ્રસરી રહી. હજારો મનુષ્યો ઉભા થઈને તાળીઓ પાડવા લાગ્યા અને ખુશાલીના પોકાર કરવા લાગ્યા. આખી સભા ગાંડા જેવી બની રહી દરેક જણ તાળી પાડ્યાજ કરે. સ્વામીજીને આગળ બોલવાનો અવકાશ મળે નહિ ! તે જરાક ગભરાયા. બે મિનિટ સુધી તેમને કોઈએ બોલવા દીધા નહીં, એટલો બધો હર્ષ સભામાં વ્યાપી રહ્યો હતો. અમેરિકનો આશ્ચર્ય પામ્યા કે તેમને “ભાઈઓ અને બહેનો” કહીને સંબોધનાર આ કોણ હશે ! તેઓને શી ખબર કે ભારતવર્ષમાંથી આવેલા આ હિંદુ સાધુને મન સઘળું જગત કુટુંબ રૂપજ છે ! સ્વામીજીને મન જગતનાં સઘળાં સ્ત્રી પુરૂષો “ભાઈઓ અને બહેનો” જ હતાં. વેદાન્ત ધર્મ તો એથી પણ આગળ વધીને તેમને સર્વને પોતાનું જ સ્વરૂપ, પોતાનોજ આત્મા ગણી રહ્યો હતો.

જ્યારે સર્વત્ર શાંતિ પ્રસરી રહી ત્યારે સ્વામીજીએ પોતાનું વ્યાખ્યાન આગળ ચલાવ્યું. જગતના અને હિંદના સાધુ સંતો તરફથી તેમણે અમેરિકન પ્રજાનો આભાર માન્યા પછી તેઓએ પોતાના મુખ્ય વિષય “હિંદુધર્મ” નો ઉપોદ્‌ઘાત શરૂ કર્યો. હિંદુ ધર્મને તેમણે સર્વ ધર્મોની જનની તરીકે દર્શાવ્યો. અખિલ વિશ્વને સહિષ્ણુતા અને સર્વગ્રાહિતાનો બોધ આપનાર હિંદુધર્મજ છે એમ તેમણે પ્રતિપાદન કર્યું; અને તેવા ભાવનાં અનેક અવતરણો હિંદુ શાસ્ત્રોમાંથી તેમણે પોતાની સુલલિત વાણીથી કહી સંભળાવ્યાં.

સ્વામીજીનું વ્યાખ્યાન ટુંકું જ હતું, પણ તેમના વિચારોની ભવ્યતા, વિશાળતા, સર્વ સ્પર્શાપણું અને જે ઉંડી લાગણીઓથી તે વિચારો દર્શાવાઈ રહ્યા હતા, તે સર્વ વડે કરીને આખી સભા, રે, આખી અમેરિકન પ્રજાનાં મન ઉપર ભારે અસર થઈ રહી. તેમની પહેલાંનો કોઈ પણ વક્તા આવા સર્વસ્પર્શી વિચારો દર્શાવી શક્યો નહોતો. સ્વામીજીના આવા વિચારોથી સર્વધર્મપરિષદના