પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૩૦


સ્વામીજીના જીવનમાં ઉંડા ઉતરનારને અગાધ બુદ્ધિના તર્કવિતર્ક, પવિત્ર હૃદયની શંકાઓ, અડગ શ્રદ્ધા અને અધ્યાત્મ પ્રકાશનો વિકાસ માલમ પડી આવશે. મનુષ્ય તરિકે અને વેદાન્તી તરિકે તેમણે ખરી પવિત્રતામાં રહેલું શૂરત્વ અને ખરા શૂરત્વમાં રહેલી પવિત્રતા દર્શાવી છે. ધર્મના ખરા સ્વરૂપને સમજનારની સ્વદેશ પ્રીતિ, આમ સાક્ષાત્કાર અથવા પરમ તત્વના દર્શનથી સહજેજ ઉદ્ભવતી દયાર્દ્ર વૃત્તિ, અને તે વૃત્તિથી ઉછળી રહેલી લોકકલ્યાણ કરવાની સદોદિત ભાવના તથા પ્રવૃત્તિ તેમના જીવનમાં સ્પષ્ટ જણાઈ આવે છે.

આ જીવનકથા, સ્વામીજીના ઉચ્ચ અને ગંભીર વિચારો, ધાર્મિક લાગણીઓ અને સાધુતાના મહિમાની પોથી છે. એ પોથીનાં પાનાં ફેરવતાં તેમાં કોઈક પ્રારબ્ધવશાત્ શરીરમાં બદ્ધ થયેલા પવિત્ર આત્માનો નિજસ્વરૂપને શોધી તેમાં લીન થવાનો ભગીરથ પ્રયત્ન નજરે પડે છે; ભક્તનો ભક્તિભાવ, વેદાન્તીનો અદ્વૈતભાવ અને જીવની શિવસ્વરૂપતાનું સંમેલન તેમાં ઓતપ્રોત થઈ રહેલું ભાસે છે; મનુષ્ય સ્વભાવની સર્વોત્કૃષ્ટ દશા, ઉંડા વિચાર અને ઉચ્ચ આશયો તેમાં દૃષ્ટિગોચર થાય છે અને આત્માના પ્રદેશમાં પર્યટન કરી તે ઉચ્ચ પ્રદેશના અનુભવનું મહત્વ માનવ સમાજને સમજાવવા યત્નશીલ થયેલાં અસામાન્ય જીવનોમાંનું તે એક અસામાન્ય જીવન જણાઈ રહે છે.

સામાન્ય સ્થિતિમાં ઉદ્ભવેલું અને સંસારના મીઠા તેમજ કડવા બંને પ્રકારના સંયોગોમાં વિકાસ પામેલું તેમનું જીવન સ્નેહાળ માનવ પ્રકૃતિ અને આત્માની ઉચ્ચ ભાવનાઓના મેળાપ રૂ૫ છે. પ્રાચીન અને અર્વાચીન વિચારોનું મિશ્રણ કરી હિંદનું ભાવી કેવે માર્ગે ઘડવું તેની યુક્તિ તેમાં રહેલી છે. સંસારમાં એક નિર્લેપ પ્રવાસી તરિકે જીવન ગાળનારની તે જીવનકથા છે. પાષાણના દેવો કરતાં મનુષ્ય દેવતાઓને વધારે ભજનાર અને તેમને માટે પ્રાણને જોખમમાં