પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


કર્યા વગર તે ભાષણ આપે છે, અને વિષયની પેટા બાબતો તેમજ અંતિમ સાર તેઓ ઘણીજ ભવ્ય કળાથી રજુ કરે છે. તે એવી તો અંતરની લાગણીથી બોલે છે કે તેમના શબ્દો સૌનાં અંતઃકરણમાં સોંસરા પેશી જાય છે અને બોલતાં બોલતાં તેમની વાણી આબેહુબ ઈશ્વર પ્રેરિતજ બની રહે છે.” — ધો ન્યુયૉર્ક ક્રિટીક.

“હૉલ ઓફ કોલમ્બસમાં અમેરિકાનાં અને આખા જગતનાં શ્રેષ્ઠ બુદ્ધિવાળાં અને ધાર્મિક ચાર હજાર મનુષ્યો, સ્વામી વિવેકાનંદને માત્ર પંદર મિનિટ પણ સાંભળવાને બીજા વક્તાઓ પોતાનાં ભાષણો આપી રહે ત્યાં સુધી હસતેમુખે રાહ જોતાં બેસી રહેતાં ! સૌથી શ્રેષ્ઠ વક્તાને સૌથી છેલ્લો ઉભો કરવો (કે જેથી શ્રોતાજનો વેરાઈ ન જાય) એ જુના પુરાણા નિયમને પરિષદ્‌ના પ્રમુખ સારી પેઠે જાણતા હતા.” — બોસ્ટન ટ્રાન્સ્ક્રીપ્ટ.

આ પ્રમાણે સ્વામી વિવેકાનંદે પોતાના ભાષણથી ભારતવર્ષની મોટી સેવા બજાવી છે. તેમણે હિંદુધર્મને અખિલ વિશ્વના ધર્મ તરીકે રજુ કરેલો છે. પાશ્ચાત્ય પ્રજાઓનાં મનમાં તેમણે ઠસાવ્યું છે કે હિંદુધર્મના સિદ્ધાંતો સર્વ સામાન્ય અને ભવ્ય છે. તેમણે હિંદુધર્મને એક ઐતિહાસિક સ્વરૂપમાં આણીને મુક્યો છે. હિંદુધર્મમાં અનેક ભિન્ન ભિન્ન પંથો છે અને તેથી તેમાં વિરોધાભાસ લાગે છે, એવી માન્યતાને દૂર કરીને સર્વ પંથો એકજ અદ્વૈતવાદનાં જુદાં જુદાં સ્વરૂપ છે એમ તેમણે સર્વને સમજાવ્યું છે. હિંદુધર્મ એ કાંઈ અમુક મનુષ્યોનોજ ધર્મ છે એમ નથી, પણ તે પ્રત્યેક જીવાત્માનો એક કુદરતી વિશાળ અને સર્વ શ્રેષ્ઠ આદર્શ છે, એવું તેમણે સિદ્ધ કરી બતાવ્યું છે. સ્વામીજી કહેતા હતા કે વેદ એટલે અમુક પુસ્તકો એમ સમજવાનું નથી. અતિશય મહાન એવા જુદા જુદા આર્ય પુરુષોએ જુદે જુદે સમયે શોધી કહાડેલા