પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૩
અમેરિકામાં ઉપદેશક તરીકે.


વગરના મોટા મોટા મહેલોમાં રહેવા કરતાં તો, ઓ ખ્રીસ્તિઓ ! ક્રાઇસ્ટની સાથે ચીંથરેહાલ થઈને રહેવું એજ વધારે સારૂં છે.”

સર્વ ધર્મ પરિષદ્‌માં પણ સ્વામીજીએ એવીજ નિડરતા દાખવી હતી. પરિષદ્‌નાં હજારો સુશિક્ષિત સ્ત્રી પુરૂષો આગળ હિંદુધર્મનો બચાવ કરતાં સ્વામીજી પોતાના ભાષણની વચમાં એકદમ અટકી ગયા હતા અને ભારે કટાક્ષથી સર્વને પુછી રહ્યા હતા :– “હિંદુઓનાં પવિત્ર પુસ્તકો જેમણે વાંચ્યાં હોય તે પોતાની આંગળી ઉંચી કરો !” જુવાબમાં ત્રણ ચાર જણાએ જ આંગળી ઉંચી કરી હતી. સભામાં જુદા જુદા દેશોના સઘળા શાસ્ત્રજ્ઞો એકઠા થયેલા હતા. આખી સભા ઉપર દૃષ્ટિ ફેરવીને સ્વામીજી છાતી કહાડીને શ્રોતાજનોને ઠપકો મળે એવા શબ્દોમાં કહેવા લાગ્યા “અને તો પણ તમે અમારા ઉપર ટીકાઓ કરવાની હિંમત કરો છો !”

આ પ્રમાણે સ્વામીજીએ હિંદુધર્મ અને ભારતવર્ષ વિષેના અનેક ખોટા ખ્યાલોને અનેક પાશ્ચાત્યોનાં હૃદયોમાંથી ભૂંસી નાખીને તેમને ભારતવર્ષની પ્રાચીન કીર્તિ અને પ્રાચીન શિક્ષણની મહત્તાનું પુરેપુરૂં ભાન કરાવ્યું છે. ભારતવર્ષ તરફ માનની લાગણીથી જોતા તેમને કર્યાં છે. હિંદ એક જંગલી દેશ છે, તેનો ધર્મ પણ જંગલી છે, અને તેના રીતરિવાજો પણ જંગલી છે; એવા એવા અનેક ખોટા વિચારો અમેરિકન પ્રજાના હૃદયમાં વશી રહ્યા હતા, તે સર્વને તેમણે ઉખેડી નાખીને તેમના પર હિંદુઓના ખરા ધર્મની મહત્તા ઠસાવી છે.

અમેરિકામાં ડેસ મોઈન્સમાં સ્વામીજીએ ત્રણ ભાષણ આપ્યાં હતાં. એ સમયે ઘણા લોકોએ સ્વામીજી સાથે ધાર્મિક અને આધ્યાત્મિક વિષયોની ચર્ચા ચલાવી હતી. એ વિષે લખતાં ત્યાંનું એક પત્ર