પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૫
અમેરિકામાં ઉપદેશક તરીકે.


પુરો થતાં એ દેશ એવો તો જાગી ઉઠીને પોતાના આધ્યાત્મિક બળનો મહિમા દર્શાવી આપશે કે જે જોઈને જગત ચકિત થશે. હિંદુઓ એમ માનનારા છે કે સ્વાર્થનો ત્યાગ કરવો એજ સારું છે, અને તેને પોષવો એ નઠારું છે. હિંદુઓ કહે છે કે પોતાને માટેજ ઘર બંધાવવું એ ખોટું છે અને તેટલા માટે તે પ્રભુની પૂજા માટે અને અતિથિઓના આતિથ્યને માટેજ ઘર બંધાવે છે. પોતાને માટેજ રસોઈ કરવી એ પાપરૂપ માનીને હિંદુઓ અતિથિઓ અને ગરિબોને માટે ઘરમાં રાંધે છે. ”

પ્રવાસ દરમ્યાન સ્વામીજીએ કેટલેક સ્થળે સુશિક્ષિત અમેરિકનોને પુછ્યું હતું કેઃ “સુધારા એટલે શું ?” કેટલીક વખત એનો એવો જવાબ દેવામાં આવ્યો હતો કે “અમે જે સ્થિતિમાં છીએ એજ સુધારો !” પણ સ્વામીજી હમેશાં તેમનાથી જુદોજ મત ધરાવતા હતા. તે કહેતા કેઃ “કોઈ એક પ્રજા સમુદ્રના મોજાંને વશ કરે, કુદરતનાં તત્ત્વોને તાબે કરી દે અને મનુષ્યના આયુષ્યને હજાર વર્ષ જેટલું લંબાવી શકે, તોપણ તે ખરા સુધારાનાં ફળ ચાખવાને શક્તિમાન થાય નહિ.” સ્વામીજીના મત પ્રમાણે ખરો સુધરેલો મનુષ્ય તેજ છે કે જેણે પોતાની જાતને-પોતાનું મન અને ઇન્દ્રિયોને જીતી છે. સ્વામીજીએ સાબીત કરી બતાવ્યું કે હિંદમાં હજી પણ એવા સુધરેલા અનેક મનુષ્યો જોવામાં આવે છે. અને તેનું કારણ એજ છે કે હિંદમાં આર્થિક સુધારાની મહત્તા આધ્યાત્મિક સુધારા કરતાં ઓછી ગણવામાં આવે છે. તેથી જ કરીને હિંદુઓમાં બીજી પ્રજાઓ કરતાં જગતનાં દુઃખો વેઠવાની સહન શક્તિ તેમજ આધ્યાત્મિક જ્ઞાન અને સામર્થ્ય વધુ પ્રમાણમાં રહેલાં છે. તેમની આધ્યાત્મિકતાના ભાનને લીધેજ હિંદુઓ ઉપર હજારો વર્ષો થયાં તો પણ ગ્રીક, પરશીઅન, મુસલમાન કે ખ્રિસ્તી,