પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૩૧


નાખનાર મહાન ભક્તની તે ભક્તિ છે. ધર્મના સત્ય સ્વરૂપનો તે પાઠ છે અને ઉપદેશકોને માટે તે કર્તવ્યનો બોધ છે. સંસારના મિથ્યાપણાને સમજી તેજ સંસારની સેવા અને સદુપયોગ વડે તેની પાર પહોંચવાનો તે ઉપદેશ છે. સહનશીલતાનો તે અલૌકિક નમુનો છે. અનેક ધર્મ, અનેક પંથો, અનેક સંપ્રદાયો, અનેક આચારો અને અનેક વિચારોનું ઐક્ય દર્શાવનાર તે સર્વની મધ્યમાં પરોવાયલું સુત્ર છે. પૂર્વ અને પશ્ચિમની વિદ્યાઓનો ઉપયોગ કરી જીવનને કેવી રીતે વહેવરાવવું તેનું એ શિક્ષણ છે. ધાર્મિક શિક્ષણ વગરની કેળવણીને તે ઠપકો છે. આધુનિક સમયમાં વધતા જતા મોજશોખ અને દાંભિક જીવનનો તે શત્રુ છે. કેવળ નવા વિચારને પકડી બેસનારા અશાન્ત અને અધીરા મનુષ્યોને માટે તે અંકુશ છે. સંસ્કૃત ભાષાના ઉંડા અભ્યાસનું તે પરિણામ છે. માતૃભાષાના ઉંડા અધ્યયનનું તે સુચન છે. “પ્રાચીનજ ખરું ” એમ ચૂસ્તપણે માની જડની માફક પડી રહેનારા કેવળ જુના વિચારના માણસોને માટે તે ફટકો છે.

આ પવિત્ર અને અદ્ભુત જીવનને વાંચતાં વાંચતાં મનુષ્ય સ્વાભાવિક રીતે જ આત્માના ઉચ્ચ પ્રદેશમાં ઘસડાઈ જાય છે. પવિત્ર સ્થળમાં સ્થાપિત થએલી કોઈ એક પવિત્રતાની સાક્ષાત્ મૂર્તિ કે જે સ્વાર્થત્યાગ, વૈરાગ્ય અને અધ્યાત્મ વિદ્યાથી અલંકૃત થએલી છે; અને જેના ચહેરા ઉપર આત્મજ્યોતિનો પ્રકાશ સર્વદા ઝળહળી રહ્યો છે; જેની સંનિધિમાં અશુદ્ધ વિચાર એની મેળેજ નષ્ટ થઈ જઈને હૃદય સાત્વિક સ્થિતિને પ્રાપ્ત થાય છે, એવી કોઈ એક ભવ્ય મૂર્તિની આગળ જાણે કે તે જઈ ઉભો હોય એમ તેને ભાસે છે.

માનવજીવનમાં કેવી અલૌકિક શક્તિઓ રહેલી છે અને તે કેળવાય તો તેની સત્તા કેટલે સુધી પહોંચે છે; તેનો આબેહુબ ચિતાર સ્વામીજીનું જીવન પુરો પાડે છે. આર્યજીવન શું શું કરી શકે; આર્યજીવનની