પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૭
અમેરિકામાં ઉપદેશક તરીકે.


પછાત છે અને કંઈક હિંદના લોકોનો પણ વાંક છે.” છતાં સ્વામીજીએ અમેરિકાની સુધરેલી ગણાતી સ્ત્રીઓ ઉપર પણ સખત ટીકા કરી. અમેરિકાની સ્ત્રીઓ નવલકથાઓ ઘણી વાંચે છે અને બૉલમાં જવાનું વધારે પસંદ કરે છે. સ્વામીજી બોલ્યા કે “તમે તમારા સુધારાને માટે ઘણાં મગરૂર છો, પણ આવા સુધરેલા દેશમાં આશા રાખીએ તેટલી આધ્યાત્મિક્તા અહીં ક્યાં છે ? અહીં અને સ્વર્ગમાં એ શબ્દો માત્ર બાળ જીવોનેજ માટે છે. ખરી વાત તો એ છે કે સઘળું અહીં જ છે. અહીં છતે શરીરેજ પ્રભુમાં વાસ કરવો અને પ્રભુમય જીવન ગાળવું અને સઘળી સ્વાર્થ વૃત્તિઓ તથા વ્હેમોનો નાશ કરવો જોઈએ. આ કંઈ કલ્પનાજ નથી; પણ આવા મનુષ્યો ભારતવર્ષમાં અનેક વસે છે. અમેરિકામાં એવા મનુષ્યો ક્યાં છે ? વળી તમારા ધર્મોપદેશકો કલ્પનામય જીવનની વિરૂદ્ધ બોધ આપે છે; પરંતુ તમારા દેશમાં કલ્પ્નામય જીવન ગાળનારાઓ વધારે હોત તો અહીંના લોકો વધારે સુખી થાત. હિંદુસ્તાનનું કલ્પનામય જીવન અને ઓગણસમી સદીમાં તમે જેના વિષે મગરૂરી ધરાવી રહ્યા છો તે બંને વચ્ચે ઘણોજ તફાવત છે. અખિલ વિશ્વમાં એકલો પ્રભુજ વ્યાપી રહેલો છે; જ્યારે તમે તો પોતામાં ને સર્વત્ર પાપજ ભરેલું હોવાનું શીખ્યા છો ! ચાલો, આપણે એક બીજાને સહાય કરીએ; એક બીજા તરફ પ્રેમથી વર્તીએ.”

બ્રુકલીન એથીકલ સોસાયટીમાં સ્વામીજીએ વૈદિક રૂષિઓના સિદ્ધાંતો કહી સંભળાવી શ્રોતાઓનાં મન આકર્ષી લીધાં હતાં, સર્વે શ્રોતાઓનાં મનમાં ખાત્રી થઈ કે ઘણા પ્રોફેસરોના એકત્ર જ્ઞાન કરતાં પણ એમનું જ્ઞાન અધિક હોવાનું જે તેમણે સાંભળ્યું હતું તે બરાબર છે, અને તેમણે પોતાના ધર્મના સંરક્ષણ માટેજ સંસારસુખનો ત્યાગ કરેલો છે.