પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


બીજો કોઈ હોત તો તેનું ગમે તેવું સુદૃઢ શરીર પણ બે ચાર દિવસમાં તુટી ગયું હોત; પરંતુ બ્રહ્મચર્ય, નિષ્કામતા અને બ્રહ્મસાક્ષાત્કાર જન્ય કૃતકૃત્યતા તથા કર્તા છતાં - અકર્તાપણાના (गुणै: गुणानुवर्तते ઈત્યાદિ ) અલૌકિક ભાવ, એ સર્વ આવા કાર્ય કર્તાઓમાં જે રસ અને બળ પુરે છે તે વાત તેવાઓજ જાણે છે.

કેટલાએ ધનવાનો, ગરીબો અને વ્યાપારીઓ વગેરે રાત દિવસ પ્રવૃત્તિમાંજ જીવન ગાળે છે; પરંતુ તેમની પ્રવૃત્તિ માત્ર દ્રવ્યનો સંગ્રહ વધારવા માટે તેમજ સ્વાર્થી વાસનાઓને સંતોષવાને માટે જ હોય છે. સ્વામીજીની નિઃસ્વાર્થ પ્રકૃતિએ એવા સર્વ લોકોને સમજાવ્યું છે કે ગમે તેટલી પ્રવૃત્તિ કર્યા કરો, પણ તેમાં તમે જ્યાં સુધી નિષ્કામતા કે નિ:સ્વાર્થતાને જરાક પણ સ્થાન નહિ આપો ત્યાં સુધી તમારી સઘળી પ્રવૃત્તિઓ અધોગતિનેજ પ્રાપ્ત કરાવનારી છે.

ખરો કર્મયોગી કેવો હોય, વેદાન્તના સિધ્ધાંત પ્રમાણે નિષ્કામ કર્મ કયું કહેવાય, વિષયવાસનાઓથી પર થઈ રહેલું ઉચ્ચ જીવન કેવા પ્રકારનું હોય, માનવજાતિને માટે નિઃસ્વાર્થપણે કામ કરનારના અંતઃકરણમાં કેવા નિરતિશય અને અપૂર્વ આનંદનો વાસ થઈ રહેલો હોય છે અને કર્મયોગના જ્ઞાન તથા અભ્યાસ વડે કરીને અસાધ્ય કાર્યો પણ કેવાં સાધ્ય થઈ શકે છે, એ સર્વ સ્વામીજીએ પોતાની જાતના દાખલાથી દર્શાવી આપ્યું છે.

કેટલીક વખત સ્વામીજી બ્રહ્મજ્ઞાની જેવા દેખાતા તો કેટલીક વખત તે પ્રભુના એક ભક્ત જેવા નમ્ર અને ભાવયુક્ત જણાતા. ન્યુયોર્કનાં કેટલાંક સ્ત્રીપુરુષો તેમના ઉમદા વેદાન્ત બોધથી એટલાં બધાં આકર્ષાઈ ગયાં અને તેમના પવિત્ર અને સુખી જીવનથી તેમનાં મન ઉપર એટલી બધી અસર થઈ રહી કે તેઓ સ્વામીજી આગળ પવિત્રતા