પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૧
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


વારંવાર બનતું. એ દશાનું વર્ણન કરતાં સીસ્ટર નિવેદિતા-મિસ મારગરેટ નોબલ-લખે છે કે, “સ્વામીજી એક ખુણે બેસીને ધ્યાન કરતા કદી જણાતા નહોતા, પણ તેમનું ચિત્ત વખતો વખત એવી તો એકાગ્રતા પ્રાપ્ત કરી રહેતું કે બીજાને તેઓ સમાધિમગ્નજ લાગે.” એક હિંદવાસી તેમના વિષે લખે છે કે “સ્વામીજી જ્યારે ધ્યાનમગ્ન બને છે ત્યારે માત્ર બે મિનિટમાંજ તે પોતાની આસપાસનું ભાન ભૂલી જાય છે, અને તેમને આખે શરીરે મચ્છરો વળગી રહ્યાં હોય તેની પણ તેમને ખબર પડતી નથી. અમેરિકાના રસ્તાઓમાં ગાડી, ટ્રામો, મનુષ્યો અને બીજી વસ્તુની મોટી ધામધુમ મચી રહી હોય એવે વખતે સ્વામીજીને ટ્રામમાં બેસવાનો પ્રસંગ આવતો ત્યારે પણ તેઓ ધ્યાનગ્રસ્ત થઈ જતા અને ઉતરવાનું સ્થળ પસાર થઈ જવા છતાં પણ ટ્રામમાંજ બેસી રહેલા ઘણીવાર નજરે આવતા ! કેટલીકવાર તો ટ્રામનો નોકર તેમની પાસે ભાડું લેવા આવતો ત્યારે જ તેમને ભાન આવતું. આવા પ્રસંગોથી સ્વામીજી ઘણું શરમાતા અને ફરીથી એવું નહિ થવા દેવા સાવચેત રહેવાનું ધારતા. થાઉઝન્ડ આઈલેન્ડપાર્કમાં પણ તેમની સ્થિતિ તેવીજ હતી. વખતો વખતની એવી ધ્યાનાવસ્થાને અંતે તેમના જે અનેક ઉદ્‌ગારો બહાર આવેલા છે તેં અસંખ્ય વિદ્વાનો અને જિજ્ઞાસુઓને મન અત્યારે મહાન સત્ય થઈ પડ્યાં છે.

થાઉઝન્ડ આઇલેન્ડપાર્કમાં થોડાક દિવસ રહ્યા પછી સ્વામીજી પાછા ન્યુયોર્કમાં આવ્યા. અહીં તે શિષ્યોને વેદાન્તનો અભ્યાસ કરાવવા લાગ્યા. વેદાન્તના શિક્ષણને માટે તે વર્ગો ચલાવવા લાગ્યા. તે વર્ગોમાં સર્વેને આવવાની છુટ હતી. તે વર્ગો વિષે લખતાં એક શિષ્ય લખે છે કે “બ્રુકલીનમાં ત્યાંના જે મનુષ્યો સ્વામીજીનું ભાષણ સાંભળવાને આવ્યા હતા તેમાંના કેટલાક ન્યુયોર્કમાં આવીને રહ્યા