પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


અને સ્વામીજીને ઉતારે જઈ તેમના ઉપદેશનો લાભ રોજ લેવા લાગ્યા. સ્વામીજીનો ઉતારો એક નાની ઓરડીમાં હતો, ત્યાં તે વર્ગો ભરાતા. પરંતુ વર્ગોમાં મનુષ્યોની સંખ્યા ઝટ વધવા લાગી. આખી ઓરડી ખીચોખીચ ભરાઈ જવા લાગી. સ્વામીજી જમીન ઉપર બેસતા અને શ્રોતાજનોમાંના ઘણા પણ તેમજ કરતા. શ્રોતાઓની ભીડને લીધે સુવાનો ખાટલો, ખુણામાં આવેલો પાણીનો નળ, વગેરે સ્થળે પણ લોકો બેસવા લાગ્યા. બારણું ઉઘાડું રાખવામાં આવતું અને ઓરડીમાં આવવાના દાદર ઉપર પણ લોકો બેસતા. અહાહા ! તે વર્ગો ! તે કેટલા બધા રસપૂર્ણ હતા ! તે વર્ગોમાં આવવાને જે ભાગ્યશાળી થયું હશે તે તેને કદીએ ભૂલશે નહિ. સ્વામીજી ઘણાજ ભવ્ય દેખાતા હતા, પણ તેમની ભવ્યતામાં અત્યંત સાદાઈ નજરે આવતી હતી. તે ઘણા ગંભીર દેખાતા અને અંતઃકરણપૂર્વકજ બોલતા. તેમની વક્તૃત્વશક્તિ અલૌકિક હતી અને ખીચોખીચ ભરાઇને બેઠેલા વિદ્યાર્થીઓ પોતાને પડતી અડચણો ભૂલી જઈને સ્વામીજીના મુખમાંથી નીકળતા શબ્દે શબ્દને ધ્યાન દઈને સાંભળતા.”

“આવી સાદી રીતે સ્વામી વિવેકાનંદે વેદાન્ત શિખવવાની પ્રથમ ન્યુયોર્કમાં શરૂઆત કરી હતી. સ્વામીજી પોતાના શ્રમને માટે બદલામાં કંઈ પણ લેતા નહોતા. તેમની ઓરડીનું ભાડું ઉઘરાણું કરીને આપવામાં આવતું હતું. જ્યારે ઉઘરાણું બરાબર થતું નહોતું ત્યારે સ્વામીજી હિંદની સામાજિક સ્થિતિ ઉપર જાહેર વ્યાખ્યાનો આપી તેમાંથી મળેલા દ્રવ્યનો ઉપયોગ પોતાના વર્ગોના નિભાવને માટે કરતા. હિંદુ ધર્મોપદેશકોની ફરજ છે કે તેમણે પોતાના વર્ગો અને વિદ્યાર્થીઓનો નિભાવ કરવા અને કોઈ વિદ્યાર્થીને જરૂર હોય તો તેને માટે ઉપદેશકે ખુશીથી ગમે તે જાતનો ભોગ આપવો, એમ સ્વામીજી કહેતા હતા."