પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


તે જારી રાખશે તો પણ તેમનું કાર્ય અમેરિકામાં અતિશય ઉપકારક અને સંમાનનીય થયા વગર રહેશે નહિ.”

અમેરિકામાં સ્વામીજી રહ્યા તે દરમ્યાનમાં સ્વાભાવિકપણેજ જાણે કેટલીક યોગિક શક્તિઓ તે પ્રાપ્ત કરી રહ્યા હોય એમ તેમને જણાતું હતું. પણ તે વિષે તે કોઈને વાત કરતા નહોતા. તેમ તેઓ આવી શક્તિઓને કોઈ પણ પ્રકારની મહત્તા આપતા નહોતા અને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ આગળ તેને તુચ્છજ ગણતા હતા. અભ્યાસી માટે તો તેઓ એવી શક્તિઓને અંતરાયરૂપ અને તેવી શક્તિઓ મેળવવાની ઈચ્છાને ઈશ્વર પ્રાપ્તિની વિરાધીજ કહેતા.

સ્વામીજી હવે ખાનગી અને જાહેરમાં બોધ આપવા ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓને ધ્યાન અને બીજી યોગની ક્રિયાઓ પણ શિખવવા લાગ્યા. ધ્યાનાવસ્થા તેમને સ્વાભાવિક હોવાથી પોતાના વિદ્યાર્થીઓને ધ્યાન ધારણાદિ શિખવતાં પણ સ્વામીજી ધ્યાનસ્થ બની જતા અને એવે વખતે તેમના વિદ્યાર્થીઓ તેમને તેવી જ સ્થિતિમાં મૂકીને ચાલ્યા જતા. કોઈ કોઈવાર ધીમેથી તે સંસ્કૃત શ્લોક અને વેદો કે ઉપનિષદોનાં વાક્યોને ઉચ્ચારતા. આધ્યાત્મિક સત્ય અને આનંદનું જે વાતાવરણ દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણની આસપાસ ફેલાઈ રહ્યું હતું તેવું જ આધ્યાત્મિક વાતાવરણ અમેરિકાના દૂર પ્રદેશમાં સ્વામી વિવેકાનંદની આસપાસ પ્રસરી રહ્યું હતું. તેમની પાસે જે અમેરિકનો આવતા તે અત્યંત શાંતિ, શક્તિ, આનંદ અને વિકાસને અનુભવતા. તે વખતે એક પ્રસિદ્ધ લેખકે સ્વામીજીના ચારિત્ર્યનું વર્ણન નીચે પ્રમાણે કર્યું હતું:- “જે મનુષ્ય સ્વામી વિવેકાનંદને મળેલા છે અને જેમણે તેમનાં ભાષણ સાંભળેલાં છે તેઓ સ્વામીજીની મોહક વ્યક્તિ, સુંદર અને બુદ્ધિવંત ચહેરો, દિવ્ય તેજથી ભરેલું અને એક બાળકની માફક નિર્દોષ હાસ્ય કરતું તેમનું મુખારવિંદ, સંગીત જેવો મધુર અવાજ,