પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


સુધી દરેક નગરમાં તેમના કાર્યનાં વખાણ થતાં હતાં. હિંદનાં પુષ્કળ સ્થળોમાંથી સ્વામીજીને માનપત્ર મોકલવામાં આવ્યાં હતાં. રામનદના રાજાએ ખુશાલીનો તાર મોકલ્યો હતો. ખેત્રીના રાજા અજીતસિંહ બહાદુરે એક ખાસ દરબાર ભરી તેમાં ઠરાવ કરીને સ્વામીજી પર શાબાશી આપનારો પત્ર મોકલ્યો હતો. મદ્રાસ અને કલકત્તામાં પણ હિંદુઓએ મોટી મોટી સભાઓ ભરી સ્વામીજીને માનપત્રો મોકલ્યાં હતાં. કલકત્તામાં રાજા પ્યારીમોહન મુકરજી સી. એસ. આઈ., ઓનરેબલ જસ્ટીસ ગુરૂદાસ બેનરજી, ઇંડિઅન મિરર પત્રના અધિપતિ નરેન્દ્રનાથ સેન, ઇંડિઅન નેશન પત્રના અધિપતિ એન. એન. ઘોષ, બંગાળી પત્રના અધિપતિ અને સુપ્રસિદ્ધ વક્તા સુરેન્દ્રનાથ બેનરજી વગેરે અનેક સંભાવિત ગૃહસ્થ, રાજાઓ અને જમીનદારો સભામાં એકઠા મળ્યા હતા અને પોતાના હિંદુ ધર્મનું રક્ષણ કરનાર અને ભારતવર્ષની મહત્તા વધારનાર મહાપુરૂષ વિવેકાનંદના ગુણાનુવાદ ગાઈ રહ્યા હતા. કલકત્તા સ્વામીજીની જન્મભૂમિ હતી તેથી ત્યાં લોકોના હર્ષનો પાર રહ્યો નહતો. આ પ્રમાણે પોતાને અસંખ્ય માનપત્રો મળેલાં જોઈને સ્વામીજી જરા પણ કુલાઈ ન જતાં એ સઘળું માન હિંદુ ધર્મને-પ્રાચીન ઋષિઓનેજ મળેલું માનતા. પોતાના કાર્યમાં એ માનથી સમસ્ત ભારતવર્ષે સંમતિ આપેલી તે ગણતા. આ ઉપરથી જુના પુરાણા આર્યાવર્તના હૃદયમાં પ્રાચીન પ્રજાકીય આદર્શ હજી પણ જાગૃત છે, અને ભારતવર્ષના પ્રજાજીવનનો પાયો હજી પણ મજબુત છે, એમ તેમની ખાત્રી થઈ. ભારતવર્ષ વિષે મોટી આશા તેમના મનમાં બંધાઈ અને પોતાની દ્રષ્ટિ સમીપ તેની ઉન્નતિનાં અનેક ભાવિ ચિત્રો તેઓ જોવા લાગ્યા. તેમને નિઃશંકપણે ભાસ આવવા લાગ્યો કે “ભારતવર્ષ એકવાર ફરીથી જાગૃત થયો છે; તેને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયું છે; તેનો પુનરોદ્ધાર