પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૩
અમેરિકામાં ઉપદેશક તરીકે.


પાશ્ચાત્ય જીવનની અભિલાષાઓ, અમેરિકાનો અથાગ ઉદ્યોગ અને પ્રવૃત્તિ, વ્યવસ્થિતપણે કાર્ય કરવાની શક્તિ, એકત્ર થઇને વેપાર કરવાની યુક્તિ વગેરેથી તેમને વાકેફ કરતા અને હિંદમાં વ્યવસ્થિતપણું, એકત્ર વિચાર, સંયુક્ત ઉદ્યોગ અને પ્રભુ ઉપર વિશ્વાસ હોવાની તેમજ સ્ત્રી કેળવણીની અત્યંત આવશ્યકતા જણાવતા. તેઓ લખતા કે; “તમે તમારી સ્ત્રીઓની સ્થિતિ સુધારી શકશો ? તે સુધારશો ત્યારેજ જગતમાં તમારું કલ્યાણ થશે, નહિ તો તમે જેવા પછાત છો તેવાને તેવાજ રહેશો.” સ્વામીજી હમેશાં આ બાબતને વધારે લક્ષ્યમાં રાખવાનું કહેતા કે “ધાર્મિકતામાં અમેરિકનો આપણા કરતાં ઘણાજ ઉતરતા છે, પણ તેમની વ્યવહારિકતા આપણા કરતાં ઘણીજ ચ્હડીઆતી છે. આપણે તેમને આપણા ધર્મનો બોધ આપવાનો છે અને તેમની વ્યવહારિકતામાં જે શ્રેષ્ઠ હોય તે આપણે ગ્રહણ કરવાનું છે.”

પૂર્વ અને પશ્ચિમનાં સભ્યતાના નિયમો જુદા હોવાથી સ્વામીજી તે નિયમોને જાણવા તેમજ અનુસરવાને બનતી કાળજી રાખતા; પરંતુ અમેરિકામાં ઘણાં સ્ત્રી પુરૂષો સ્વામીજીના સ્વભાવ અને ચારિત્ર્યને ઓળખી ગયાં હતાં અને વારંવાર તેઓ ધ્યાનગ્રસ્ત બની રહે છે એમ તે જાણતાં હતાં, તેથી સમાજનો કોઈ પણ નિયમ તેમને માટે બાધકર્તા ગણાતો નહિ. સ્વામીજીને અમેરિકાની સુશિક્ષિત સમાજોમાં પણ એક સાધુને છાજે તેવું સંપૂર્ણ સ્વાતંત્ર્ય આપવામાં આવતું હતું.

આ વખતે અમેરિકામાં વિવેકાનંદને હારવર્ડ યુનિવર્સીટિ તરફથી આમંત્રણ આવ્યું હતું. ત્યાં સ્વામીજીએ વેદાન્ત ઉપર ભાષણ આપ્યું. એ ભાષણમાં તેમણે હિંદુ તત્ત્વજ્ઞાનનો સઘળો ઇતિહાસ કહી સંભળાવ્યો, કેટલે દરજ્જે વેદોને પ્રમાણભુત ગણવામાં આવે છે તે