પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


જેવા ઝટ લઈને સમજે તેવા અંગ્રેજો નથી. પણ સ્વામીજીએ ધીરજ અને ખંતથી પોતાનો રસ્તો કરવા માંડ્યો અંગ્રેજો જોડે તે ભળવા લાગ્યા અને તેમના પ્રજાકીય જીવનની કુંચી શેમાં રહેલી છે તે શોધવા લાગ્યા. તેમને માલમ પડ્યું કે અંગ્રેજો સૌ ધારે છે તેટલા ખરાબ નથી. ઇંગ્લંડના પોતાના અનુભવને સ્વામીજીએ એક ભાષણમાં નીચે પ્રમાણે કહી બતાવ્યો હતોઃ-

અમેરિકાના કાર્ય કરતાં મારા ઈંગ્લંડના કાર્યથી મને વધારે સંતોષ થયો છે. અંગ્રેજો બહાદુર, હિંમતવાન અને સ્થિર મનના છે. અન્ય પ્રજાઓ કરતાં તેમની બુદ્ધિ જરાક જાડી હશે પણ તેમના મગજમાં એક વાર તમે એક વિચાર કરીને તેને મજબુત રીતે ઠસાવો અને પછી જુઓ તો સદાએ તે ત્યાંને ત્યાંજ રહેશે અને તે કદીએ બહાર નિકળી જશે નહિ. અંગ્રેજોની વ્યવહાર કુશળતા અને ઉદ્યોગો જીવન વડે કરીને તે વિચાર વૃદ્ધિને પામશે, ફાલશે અને ફળશે. બીજી કોઈ પ્રજામાં એવું જોવામાં આવશે નહિ. એવી અત્યંત વ્યવહારકુશળતા, પ્રજાજીવનનું એવું સત્ત્વ તમે બીજે કોઈ પણ સ્થળે જોશો નહિ. અંગ્રેજોના જીવનમાં કલ્પના ઘણીજ થોડી જોવામાં આવે છે અને ઉદ્યોગ ઘણો જોવામાં આવે છે. તેમના હૃદયને તો સમજી જ કોણ શકે કે તેમાં લાગણી કેટલી અને કલ્પના કેટલી રહેલી છે ! તેઓ બળવાન અને વ્યવહાર કુશળ પ્રજા છે, પોતાની લાગણીઓને ગુપ્ત રાખી તેને બહાર દેખાવા દેવી નહિ એમ તેમનું શિક્ષણ તેમને શિખવી રહેલું છે. બાળપણથી જ તેમને એ વાત શિખવવામાં આવે છે. તમે કોઈપણ અંગ્રેજને પોતાની લાગણીઓ પ્રદર્શિત કરતા જોશો નહિ, એટલું જ નહિ પણ કોઈ અંગ્રેજ સ્ત્રીને પણ તેમ કરતી જોશો નહિ. મેં અંગ્રેજ સ્ત્રીઓને કામ કરવા જતાં જોએલી છે, કોઈ બહાદુરમાં બહાદુર બંગાળી પણ ન કરી શકે તેવાં કામો તેમણે કરેલાં છે,