પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૭
ઇગ્લાંડની મુલાકાત.


આટલી બધી વીરતા તેમનામાં હોવા છતાં પણ અંગ્રેજોના હૃદયમાં જે ઉંડી લાગણીઓએ વાસ કરેલો હોય તેનો સ્પર્શ કેવી રીતે કરવો એ તમારે જાણવું જોઈએ. તમે જો ઇંગ્લાંડમાં હો અને તમારે કોઈ અંગ્રેજ જોડે જે સંબંધ હોય તો તેની સાથે ભળી જાવ, તેનું હૃદય ખુલ્લું કરો, અને સદાને માટે તે તમારો મિત્ર, રે, તમારો નોકર બની રહેશે !”

લંડનમાં શરૂઆતમાં સ્વામીજીને કેટલીક મુશ્કેલીઓ નડી, પણ તેમની હિંમત, મોહક ચારિત્ર્ય, અકલુષિત પવિત્રતા અને જીવનના મહાન પ્રશ્નોનું નિરાકરણ કરવાની અસાધારણ શક્તિને લીધે તે સર્વત્ર પ્રિય થઈ રહ્યા.

લંડનમાં ગયા પછી ઘણા મિત્રો અને સ્નેહીઓ તેમની પાસે આવવા લાગ્યા. મી. સ્ટર્ડી અને મિસ હેનરીએટા મુલર તેમાં મુખ્ય હતાં. તેમના મિત્રને ત્યાં સ્વામીજી રહેતા હતા. ત્યાં તે ખાનગી રીતે વેદાન્તનો બોધ કરવા લાગ્યા. તેમનું નામ સર્વત્ર પ્રસરવા લાગ્યું, ઘણા સદ્‌ગૃહસ્થો તેમની મુલાકાતે આવવા લાગ્યા, ઘણા લોકો તેમને પોતાને ઘેર બોલાવવા લાગ્યા અને ત્રણ અઠવાડીયામાં તો સ્વામીજીને ઘણું કામ કરવાનું આવી પડ્યું. વેદાન્તની સર્વ સંગ્રાહ્યતા અને બ્રહ્મજ્ઞાન પ્રાપ્તિના ચાર માર્ગો વિષે તેમણે બોધ આપવા માંડ્યો. કેટલાંક માસિકોના અધિપતિઓ તેમની મુલાકાતે આવવા લાગ્યા.

સ્વામીજી ખાનગી રીતે પોતાનું કામ કરી રહ્યા હતા, છતાં અનેક માસિકો તેમના કાર્યની નોંધ લેતાં હતાં તેથી કરીને તેમને હવે જાહેરમાં આવીને પોતાનું કાર્ય કરવાની ફરજ પડી. લંડનમાં સઘળા લોકો તેમને “હિંદુ યોગી” કહેતા હતા, એ હિંદુ યોગીને મળવાને હવે હજારો મનુષ્યો આવવા લાગ્યાં. મી. સ્ટર્ડી બધાનું ઓળખાણ કરાવતા હતા. મી. સ્ટર્ડી હિદું તત્ત્વજ્ઞાનમાં ઘણો રસ લેતા હતા. તે હિંદમાં આવીને એક સાધુ તરીકે હિમાલયના પ્રદેશમાં