પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


શરમાવે તેવી શ્રેષ્ઠ હતી. તેમનું સમસ્ત જીવન વેદાન્તની મહત્તાનો અને સ્વામીજીની પ્રબળ અસરનો પુરાવો આપી રહ્યું હતું. મિસ નોબલને વિવેકાનંદ સાથે પ્રથમ મુલાકાત થઈ તેનું વર્ણન આપતાં તે લખે છે કે :―

“નવેમ્બર માસના એક રવિવારે ત્રીજા પહોરે અમારું મળવું થયું હતું. અર્ધ વર્તુળ બેઠેલા શ્રેતાઓની સામે સ્વામીજી બેઠા હતા. તેમની પાછળ ગરમી માટે દેવતાની સગડી હતી. એક પછી એક પ્રશ્નનો ઉત્તર તે આપી રહ્યા હતા. પોતાના જવાબનું સમર્થન કરવાને તે વારંવાર શ્લોક બોલતા. સંધ્યાકાળનો સમય વીતીને અંધકાર સર્વત્ર પ્રસરી રહ્યો હતો. જાણે કે હિંદુસ્તાનની કોઈ વાડીમાં સંધ્યા સમયે બેઠા હોય અથવા કોઈ ગામના કુવા પાસે કે ભાગોળે એક વૃક્ષ નીચે એક હિંદુ સાધુ બેઠો હોય અને તેની આસપાસ શ્રોતૃવર્ગ વીંટાઈ વળ્યો હોય એવું તેમને તે સમયે ભાસ્યું હશે. ઈંગ્લાંડમાં આવી સાદી રીતે બેઠેલા સ્વામીજીને મેં ફરીથી કદી જોયા નથી. તે વારંવાર ભાષણ આપતા, તેમજ મોટો વર્ગ સભ્યતાથી તેમને સવાલ પૂછતો તેના ઉત્તર આપતા. આ પહેલી મુલાકાત વખતે અમે પંદર કે સોળ જણ હતાં. અમે એક બીજાની સાથે ગાઢ મિત્રાચારી બાંધી રહેલાં હતાં. અમારી વચમાં સ્વામીજી બેઠા હતા. તેમણે ભગવો ઝબ્બો પહેર્યા હતા અને કમ્મરે પટો બાંધ્યો હતો અને જાણે કે પૂર્વના ઘણા દુર પ્રદેશમાંથી અમારે માટે કંઈ ખબર લાવ્યા હોય તેવા તે દેખાતા હતા. વારંવાર તેમના મુખમાંથી “શિવ ! શિવ !” એ શબ્દો નીકળ્યા કરતા હતા. તેમના ચહેરા ઉપર નમ્રતા અને ભવ્યતા દેખાઈ આવતાં હતાં. ધ્યાનાવસ્થાને ભોગવેલા મનુષ્યોના મુખ ઉપરજ એવી નમ્રતા અને ભવ્યતા ઘણુંખરું જોવામાં આવે છે, ચિત્રકાર રફેલે જિસસ ક્રાઈસ્ટનો ચહેરો એવી રીતેજ ચીતરેલો છે. ”