પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


માન આપવામાં આવે છે. ચારિત્રના પ્રભાવથી ગુરૂ શિષ્યના મન ઉપર ઘણી અસર ઉપજાવી શકે છે. પાશ્ચાત્ય પ્રદેશમાં વેદાન્તનો બોધ કરતાં સ્વામીજી પણ પોતાના ચારિત્રનેજ મોખરે રાખતા અને તેમના બોધ કરતાં તેમનાં ચારિત્રથીજ પાશ્ચાત્યો વધારે આશ્ચર્ય પામતા. તેમનાં નેત્રોમાં ઉંડા જ્ઞાનનો પ્રકાશ પ્રકાશી રહેતો. એકાદ ભવ્ય વિચાર તે દર્શાવતા અથવા કોઈ કાર્ય વિષે તે ટીકા કરતા તે સમયે તેમના મુખ ઉપર-રે, આખા શરીર ઉપર ઉચ્ચ વિચારોની સત્તા વ્યાપી રહેલી દૃશ્યમાન થતી. આત્મા અને પરમાત્માની વાતો સાંભળવા સમયે શ્રોતૃવર્ગ કોઈ જુદાજ પ્રદેશમાં વિચરી રહેલો પોતાને અનુભવતો અને વક્તા તથા શ્રોતૃવર્ગ પોતાના દેહનું ભાન પણ ભૂલી જતો.

એક વખત સ્વામીજી લંડનની ઘણીખરી સભ્ય અને સુશિક્ષિત સ્ત્રીઓ આગળ પ્રેમમાં કેટલો બધો સ્વાર્થત્યાગ સમાઈ રહેલો છે અને પ્રેમમય જીવનથી આત્માની શક્તિઓ કેટલી બધી ખીલી રહે છે તે વિષે વિવેચન કરી રહ્યા હતા. પોતાના સિદ્ધાંતો સમજાવતાં સ્વામીજી બોલ્યા કે “ધારો કે આ મહોલ્લામાં એકાએક એક વાઘ આવી પહોંચે તો તમે કેટલાં બધાં ભયભીત થઈ જાવ અને તમારી જીંદગીને માટે નાસી જવાને તમે કેવાં આતુર બની રહો ?” પણ અહીં ભાષણની મધ્યમાં સ્વામીજી એકદમ અટકી ગયા, તેમનો અવાજ બદલાઈ ગયો તેમના મુખ ઉપર આધ્યાત્મિક પ્રકાશ, બળ અને નિર્ભયતાના ચિન્હ વ્યાપી રહ્યાં અને તે બોલ્યા, પણ ધારો કે વાઘના રસ્તામાંજ તમારું છોકરું આવી ગએલું છે, તો તે વખતે તમે ક્યાં જશો? વાઘના મુખ તરફજ-તમારામાંનું કોઈ પણ એવે વખતે તેમ કર્યા વગર રહેશો નહિ.” આવાં અસરકારક વચનોથી સઘળો શ્રોતૃવર્ગ ચકિત થઈ ગયો. શ્રોતૃવર્ગની આધ્યાત્મિક વૃત્તિઓ જાગૃત થઈ રહી.