પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૯
અમેરિકામાં પુનરાગમન.


ખાનગી વર્ગોમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા હવે વધવા લાગી. તેમની ઓરડીઓમાં સઘળા શ્રોતાઓનો સમાવેશ થઈ નહિ શકવાથી પંદરસેં માણસો સમાય એવો એક મોટો હૉલ ભાડે રાખવામાં આવ્યો અને ત્યાં તે વર્ગો ભરાવા લાગ્યા. “ભક્તિયોગ,” “મારા ગુરૂ–શ્રી રામકૃષ્ણ પરમહંસ,” “દૃષ્ટ અને અદૃષ્ટ–પુરૂષ” વગેરે તેમના ભાષણોના મુખ્ય વિષયો હતા. ફેબ્રુઆરી માસમાં તેમને હાર્ટફર્ડ મેટાફીઝીકલ સોસાયટી આગળ ભાષણ આપવાનું આમંત્રણ આપ્યું. ત્યાં સ્વામીજીએ “આત્મા અને ઈશ્વર” ઉપર આપેલા સુંદર વ્યાખ્યાન વિષે હાર્ટફર્ડ ડેલી ટાઇમ્સે નીચે પ્રમાણે લખ્યું હતું.

“સ્વામી વિવેકાનંદના વિચારો જિસસ ક્રાઈસ્ટને મળતા છે ખરા; પણ આપણા ખ્રિસ્તીઓના વિચારોને તે મળતા નથી. તેમના હૃદયની વિશાળતામાં સઘળા ધર્મો અને સઘળી પ્રજાઓનો સમાવેશ થઇ જાય છે. ગઈ રાત્રે ઘણીજ સાદાઈથી તેમણે વાત કરી હતી. તેમની સાદાઈ અત્યંત મોહક છે. તેમણે લાંબો ભગવો ઝબ્બો પહેર્યો હતો અને માથે પીળો ફેંટો બાંધ્યો હતો. તેમનું મુખ એશીઆના લોકો જેવું સુંદર છે. પોતાના દેખાવથી તે પ્રત્યેકની આંખને બહુજ આકર્ષક લાગતા હતા અને પોતાના સુંદર આધ્યાત્મિક વિચારોના કથનથી તે પ્રત્યેક કર્ણને પ્રિય થઈ રહ્યા હતા. તે ઘણું સારૂં અંગ્રેજી બોલે છે અને શબ્દો ઉપર એવી રીતે ભાર દઈને બોલે છે કે તેથી તેમનો વાર્તાલાપ અત્યંત સુંદર લાગે છે.”

અમેરિકામાં સ્વામીજીનું નામ સર્વને મોહ ઉપજાવે તેવું થઇ રહ્યું હતું. ન્યુયોર્કની કેટલીક સભાઓ તો તેમની પાછળ ગાંડી ઘેલીજ બની રહી હતી. તેમનો શ્રોતૃવર્ગ ધનવાન અને સુશિક્ષિત મનુષ્યોનો બનેલો હતો. ધી ન્યુયોર્ક હેરલ્ડ પત્રનો ખબરપત્રી લખે છે કે;– “સ્વામીજીના વર્ગોની મેં મુલાકાત લીધી ત્યારે ત્યાં ઘણા બુદ્ધિશાળી