પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૩૬


હતા. ભક્તને તેમનું ભક્ત હૃદય પ્રેમમાં ડૂબાડતું અને જ્ઞાનીને તે અદ્વૈતવાદના નેતા સમજાતા. રોમેશચંદ્ર દત્ત જેવા રાજ્યદ્વારી પુરૂષો તેમને ધાર્મિક સત્યોના શિક્ષક તરિકે માનતા. જગદીશચંદ્ર બોઝ જેવા જગવિખ્યાત રસાયણશાસ્ત્રી અને આનંદ મોહન બોઝ જેવા પવિત્ર બ્રહ્મસમાજીઓ તેમની ઉચ્ચ ભાવનાઓના વાતાવરણમાં સમય ગાળવાનું મહાભાગ્ય સમજી તેમના અદ્વૈત આશ્રમમાં અનેક માસ પર્યંત રહેતા. ઇંગ્લાંડના રસાયણશાસ્ત્રીઓ તેમનો બોધ ઉલ્લાસથી ગ્રહણ કરતા. મેક્સમુલર અને ડ્યુસન જેવા યુરોપીય વિદ્વાનો તેમની મુલાકાતને યાત્રા સમાન ગણતા. સિસ્ટર નિવેદિતા (મિસ માર્ગરેટ નોબલ), જે ઈંગ્લાંડમાં શિક્ષણકળામાં ઘણાંજ નિપુણ (Great Educationist) ગણાતાં હતાં તેમણે તેમને ગુરૂ તરિકે સ્વીકારવામાં પોતાની જાતને ભાગ્યશાળી માની હતી. આમ પાશ્ચાત્ય વિચારના પ્રવાહને તેમણે અન્ય દિશામાં વહેવરાવ્યો છે. ધાર્મિક હૃદયો અને નિવૃત્તિ માર્ગગામીઓના હૃદયમાં તેમણે સ્વદેશ પ્રીતિનો રસ રેડ્યો છે, આર્યાવર્તને તે પુણ્યભૂમિ કહેતા આર્યાવર્તની માટી પણ તેમને પવિત્ર લાગતી. તેમને મન હિંદની સાદી ગલીઓ પશ્ચિમનાં ભપકાદાર શહેરો કરતાં પણ વધારે પ્રિય હતી, તેમની સમીપમાં પવિત્ર ભારતવર્ષના નામનું કોઈ માત્ર ઉચ્ચારણ કરે તોપણ તેમનું વદન એકદમ મલકાઈ જતું અને તેમની ભવ્ય મુખમુદ્રા ઉપર અલૌકિક આનંદ છવાઈ ચ્હેરો વધારે તેજસ્વી દેખાતો. માતૃભૂમિ પ્રત્યે તેમનું હૃદય આટલું બધું પ્રેમાળ છતાં પણ “હાલમાં ભારતવાસીઓ પોતાનો માર્ગ ભૂલ્યા છે, આદર્શ ચુક્યા છે, ચારિત્રને ખોયું છે અને બાપદાદાની મોટાઈની મિથ્યા બડાશો મારે છે” એમ તેમણે તેમને ધમકાવવામાં જરાએ કસર રાખી નથી. કૂવામાંના દેડકાની રીત મૂકી દઈને બહાર નિકળો અને દુનિયા કેટલી છે, કેવી છે અને