પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


જવો !” દૃશ્ય અને દર્શન રૂપી આ સમગ્ર જગત્‌ જે પોતાના અજ્ઞાન રૂપી વિકારને લીધે દૃષ્ટારૂપી જીવને પ્રતીત થઈ રહ્યું છે, તે એ અજ્ઞાન વિકારનો જ્ઞાનવડે નાશ થતાં દોરડીમાંનો મિથ્યા સર્પ નષ્ટ થાય તેમ નષ્ટ થઈ જઈને, મિથ્યા તેમજ પરિચ્છિન એવો દૃષ્ટાભાવ પણ પોતાના અધિષ્ઠાન ભાવમાં આવી જઈ શુદ્ધ સચ્ચિદાનંદ એ પરબ્રહ્મ પરમાત્મા જ રહે છે.” તેમને પૂછવામાં આવ્યું કે “શું અદ્વૈતવાદ દ્વૈતવાદનો વિરોધી છે ?” સ્વામીજીએ ઉત્તર આપ્યો હતો કે “ઉપનિષદો વ્યવસ્થિતપણે લખવામાં આવેલાં નથી, તેથી તત્વજ્ઞાનીઓએ ગમે તે એક વાદ બાંધવાને માટે પોતાને અનુકુળ આવે તેવાંજ વચનો તેમાંથી લીધેલાં છે. જુદા જુદા વાદને માટે લેવાયલાં સઘળાંજ કથનો ઉપનિષદોમાં મળી આવતાં હોવાથી ઉપનિષદોજ સર્વે વાદોનો આધાર થઈ રહેલાં છે. અદ્વૈતવાદ દ્વૈતવાદનો વિરોધી હોઈ શકેજ નહિ. દ્વૈતવાદ ત્રણ અવસ્થાઓમાંની એક અવસ્થા છે. દરેક ધર્મમાં એવી ત્રણ અવસ્થાઓ હોય છેજ. પહેલી અવસ્થા તે દ્વૈતવાદ છે. એ પછી મનુષ્ય જે ઉચ્ચતર અવસ્થાને પ્રાપ્ત કરે છે તેનું નામ વિશિષ્ટાદ્વૈત છે. આખરે મનુષ્યને જ્યારે એવું ભાન થાય છે કે તે અને જગત બન્ને એકજ છે ત્યારે તેનું નામ અદ્વૈત છે. આ પ્રમાણે ત્રણે અવસ્થાઓ એક બીજાની વિરોધી નથી; પણ તે એક બીજાની ઉપકારક છે.”

ન્યુયોર્કમાં વેદાન્ત સોસાયટી સ્થાપવામાં આવી હતી અને તેના પ્રમુખ તરીકે એક ધનાઢ્ય અને પ્રતિષ્ઠિત ગૃહસ્થ મી. ફ્રાન્સીસ લેગેટને નીમવામાં આવ્યા હતા. એ સોસાયટી સ્થાપવામાં સ્વામીજીનો હેતુ એવો હતો કે વેદાન્તના સિદ્ધાંતોનો પ્રચાર થાય અને પૂર્વ તથા પશ્ચિમના લોકો વચ્ચે ભ્રાતૃભાવની લાગણી વધે અને તેઓ પોતાના વિચારો અને આદર્શોની આપ લે કરે. સ્વામીજીનો વિચાર