પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૭
અમેરિકામાં ઉપદેશક તરીકે.


એ હતો કે પૂર્વ અને પશ્ચિમમાં વેદાન્તનાં મથકો સ્થાપવાં અને તે મથકો એક બીજાની સાથે સદાએ અગત્યનો વ્યવહાર ચલાવ્યા કરે. પૂર્વ અને પશ્ચિમ બંને જાણે પોતાનાં નિવાસસ્થાનો હોય તેમ પૌર્વાત્યો અને પાશ્ચાત્યો બંનેમાં સ્વતંત્રપણે આવ જાવ કરે અને ભેદભાવને ભૂલી જાય. પોતાના કેટલાક ગુરૂભાઈઓને બોલાવીને અમેરિકામાં રાખવા અને તેઓ ત્યાં વેદાન્તનો અને ભારતવર્ષ વિષેના સઘળા ખરા વિચારોનો પ્રચાર કરે અને હિંદનું ગૌરવ વધારે; તેમજ કેટલાક અમેરિકન અને અંગ્રેજ શિષ્યો ભારતવર્ષમાં આવીને વિજ્ઞાનશાસ્ત્ર, ઉદ્યોગ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, વ્યવસ્થા અને સહકારીત્વ વિષેના અતિ અગત્યના સિદ્ધાંતો હિંદવાસીઓને સમજાવે; એવી સ્વામીજીની ધારણા હતી. આ રીતે પૂર્વ અને પશ્ચિમનું સંમેલન કેવી રીતે કરવું તે વિષે સ્વામીજી રાત દિવસ વિચાર કરી રહ્યા હતા; અને પૌર્વાત્ય તથા પાશ્ચાત્યો વચ્ચે વિચારો અને આદર્શોમાં રહેલો ભેદ નષ્ટ કરવાની ધારણાથીજ ન્યુયોર્કની વેદાન્ત સોસાયટી સ્થાપવામાં આવી હતી. સ્વામીજીના વિચારની તે હજી માત્ર શરૂઆતજ હતી.

હવે પાછા ઈંગ્લાંડથી સ્વામીજીના ઉપર અનેક કાગળો આવવા લાગ્યા. તેમના અંગ્રેજ મિત્રો તેમને પાછા ઈંગ્લાંડ આવવાનું લખતા હતા; કેમકે ઈંગ્લાંડમાં તેમણે જે કાર્ય શરૂ કર્યું હતું તેને વ્યવસ્થિતપણે ગોઠવવાની જરૂર હતી; જ્યારે ન્યુયોર્કમાં તેવી વ્યવસ્થા ગોઠવાઈ ચૂકી હતી. તેમના શિષ્યો તેમનું કાર્ય ઉપાડી લેવાને લાયક થઈ રહ્યા હતા અને વળી સ્વામીજીએ કલકત્તેથી પોતાના ગુરૂભાઈ સ્વામી શારદાનંદને પણ ત્યાં તેડાવ્યા હતા. એથી હવે સ્વામીજી પાછા ઈંગ્લાંડ ગયા.