પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


ઇંગ્લાંડની આ મુલાકાત સમયે સ્વામીજીની કીર્તિ વિશેષ પ્રસરી રહી હતી. હિંદુઓના પ્રાચીન ધર્મના ઉપદેશક તરીકે તે આવેલા છે એમ સર્વેને જાણ થઈ રહી. લંડનના જુદા જુદા ધંધાવાળા મનુષ્યો, દાક્તરો, વકીલો, શિક્ષકો, વિદ્યાર્થીઓ વગેરે સ્વામીજીનો સુંદર બોધ સાંભળવાને આવવા લાગ્યા. ઘણી સભ્ય સ્ત્રીઓ પણ શ્રવણ કરવાને આવવા લાગી. શિકાગોની સર્વધર્મપરિષદ્‌માં સ્વામીજીએ જે અપૂર્વ ફતેહ મેળવી હતી તેની જાણ સર્વને થઈ રહી હતી. વર્તમાનપત્રોમાં સર્વે એ વાંચ્યું હતું કે સ્વામી વિવેકાનંદ એક તત્વજ્ઞાની છે; ધર્મને માટે તેમણે સંસારનો ત્યાગ કરેલો છે; ગૃહસ્થાશ્રમી તરીકે તે ઘણું માન અને દ્રવ્ય પ્રાપ્ત કરી શક્યા હોત; પણ માત્ર વેદાન્તનો અભ્યાસ કરવાને અને વેદાન્તમય જીવન ગાળવાને માટેજ તેમણે સંસારસુખને ત્યજી દીધેલું છે. સ્વામીજીનું વૈજ્ઞાનીક જ્ઞાન, વક્તૃત્વશક્તિ, પ્રમાણિકતા અને પવિત્રતા જોઈને રેવરંડ હોવીઝ જેવા પાદરીઓ પણ તેમનો અલૌકિક બોધ સાંભળવાને આવવા લાગ્યા અને પ્રેમ, સહિષ્ણુતા તથા સહાનુભૂતિ વિષેના તેમના તરફથી મળતા અમૂલ્ય વિચારો હૃદયમાં ઠસાવવા લાગ્યા. સ્વામીજીના બોધથી રેવરંડ હોવીઝના મન ઉપર એવી તો અસર થઈ રહી કે તેમણે પોતે એક રવીવારે સેંટ જેમ્સીઝ ચેપલમાં “વિવેકાનંદ” એ વિષય ઉપર બે ભાષણો આપ્યાં અને તે યશસ્વી હિંદુ સાધુની ભારે પ્રશંસા કરી. લંડનના વિજ્ઞાનશાસ્ત્રીઓને ખાવાનો પણ વખત મળવો મુશ્કેલ હતો; છતાં પણ ગમે તેમ કરીને તેઓ પોતાની પ્રયોગશાળાઓમાંથી બહાર આવતા, સ્વામીજીનાં ભાષણો સાંભળવાને ઉભા રહેતા અને પછીથી સ્વામીજીની પાસે જઈને કહી આવતા કે વેદાન્તનાં સત્યો અને સિદ્ધાંતો કેવી અલૌકિક યુક્તિ અને બુદ્ધિથી તેમણે શોધી કહાડેલાં છે !