પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.

થયા હતા. તેઓ પણ હવે વેદાન્તના સિદ્ધાંતો ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતોને લગાડવા લાગ્યા.

પ્રકરણ ૩૯ મું – સ્વામીજીના પાશ્ચાત્ય શિષ્યો.

સ્વામી વિવેકાનંદ પાશ્ચાત્ય પ્રદેશમાં ગયા અને ત્યાં પોતાના કાર્યમાં મોટી ફતેહ મેળવી રહ્યા એ વાત એમ સિદ્ધ કરે છે કે ઇંગ્લાંડ અને અમેરિકામાં ઘણાં મનુષ્યો પારમાર્થિક સત્ય ગ્રહણ કરવાને લાયક થઈ રહેલાં હતાં. ઇંગ્લાંડ અને અમેરિકામાં ઐહિક સુખ અને વ્યવહારિક જ્ઞાન તો તેઓ સારી પેઠે મેળવી ચૂક્યાં હતાં. તે દેશોમાં સર્વત્ર જડવાદ વ્યાપી રહેલો હતો અને ભૌતિક વિજ્ઞાનશાસ્ત્રના સિદ્ધાંતનું જ પઠન સર્વત્ર કરવામાં આવતું હતું. ભોગવિલાસની તો તે ભૂમિજ બની રહી હતી અને ઐહિક સુખની યોજનાઓ સર્વત્ર યોજાતી હતી. પરંતુ ઐહિક સુખ મનુષ્યના આત્માને કદી પણ ઉંડો, સાચો અને સ્થાયી સંતોષ આપી શકતું નથી; તેથી હમેશાં એમજ બને છે કે ઐહિક સુખની પાછળ પડેલાં મનુષ્યો છેવટે તેનાથી કંટાળી જઇને જેથી શ્રેષ્ઠ અને સ્થાયી સુખ મળે એવી કોઈ વસ્તુ છે કે નહિ અને હોય તો તેને કેવી રીતે પ્રાપ્ત કરવી, એવી શોધમાં પડેલાં ઘણી વાર નજરે આવે છે. ઇંગ્લાંડાદિ પ્રદેશોમાં તેમજ થયેલું જોવામાં આવતું હતું. ઘણાં બુદ્ધિશાળી, સુશિક્ષિત અને વિચારવંત સ્ત્રી પુરૂષો સંસારના એના એજ ભોગ વિલાસોથી કંટાળી જઈ “આ શું જીવન કહેવાય ?” એમ કથી રહ્યાં હતાં. સ્વામી વિવેકાનંદની એક પાશ્ચાત્ય શિષ્યાને હિંદુસ્તાનમાં આવવાનું કારણ પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, “સો મણ રૂની તળાઈઓમાં સુઈ સુઇને અમે