પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૭
સ્વામીજીના પાશ્ચાત્ય શિષ્ય.


કંટાળ્યાં છીએ અને તેમાં અમને શાંતિ પ્રાપ્ત થઈ નથી. અમારા આત્માને તેથી સંતોષ વળ્યો નથી.” આવાં સ્ત્રી પુરૂષોને ન તો પાશ્ચાત્ય પ્રદેશોમાં ફેલાયો જડવાદ સંતોષ આપી શકતો કે ન તો ત્યાંનો ખ્રિસ્તીધર્મ વિજ્ઞાનશાસ્ત્રના સિદ્ધાંતો અને તર્કવાદ આગળ ટકી શકતો. વિજ્ઞાનશાસ્ત્રના અને તર્કવાદથી પણ ન છેદાય એવા આધ્યાત્મિક સિદ્ધાંતોનીજ હવે તેમને માટે જરૂર હતી અને તેનેજ તેઓ ખોળી રહ્યાં હતાં. આમ હોવાથી ભુખ્યાને જેમ અન્ન મળે અને તરસ્યાને જેમ પાણી મળે તેમ સ્વામી વિવેકાનંદનો બોધ તેમના આત્માની ક્ષુધા તૃષાને મટાડી રહ્યો હતો. ઈંગ્લાંડના ઉચ્ચ વર્ગોમાંથી પણ જે પુષ્કળ મનુષ્યો સ્વામીજીનો બોધ સાંભળવાને આવતાં હતાં તે સર્વના મનમાં ખાત્રી થતી હતી કે તેઓ જે જીવન ગાળી રહેલાં છે તે અંતે દુઃખદજ છે; અને ખરું જીવન તો પરમાત્મા સાથે એકતા પ્રાપ્ત કરી રહેવામાંજ સમાયેલું છે. સ્વામીજીના વર્ગોમાં જે વિદ્યાર્થીઓ આવતા તે સર્વે તેમના જ્ઞાન, પવિત્રતા, સ્વાર્થત્યાગ અને વૈરાગ્યથી અત્યંત મોહ પામતા. પરિણામ એ આવ્યું કે તેમાંના કેટલાક ચુસ્ત શિષ્યો બની રહ્યા અને તેમની સાથે હિંદુસ્તાનમાં આવીને જન્મ પર્યત રહેવાને તૈયાર થઈ રહ્યા. જે ઋષિઓએ જગતને હેરત પમાડે એવાં સત્યો શોધી કહાડેલાં છે; વેદ અને ઉપનિષદાદિ અમૂલ્ય ગ્રંથ રચીને વિશ્વના નિયમનાર્થે જેઓ બક્ષીસ આપી ગયાં છે; જેમણે માનવજાતિના કલ્યાણના માર્ગો યોજ્યા છે; ધર્મ, નીતિ જ્ઞાનાદિના અનુપમ ભંડારો જેમણે માનવજાતિને વારસામાં આપેલા છે; રામાયણ, મહાભારત જેવાં અનુપમ કાવ્યો જેમણે અસ્તિત્વમાં આણ્યાં છે; જેમની વિદ્વતા અને યશનાં ગાન આજે મેક્સમુલર, ડ્યુસન, શોપનહાર, વગેરે પાશ્ચાત્ય પંડિતો પણ મુક્ત કંઠે ગાઈ રહેલા છે; તે ઋષિઓ-મુનિઓ-યોગીઓની જન્મભૂમિ, સર્વ ધર્મની