પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


જનની, પવિત્રતાનું નિવાસસ્થાન, ભગવાન રામચંદ્ર, કૃષ્ણચંદ્ર, બુદ્ધ, શંકર, શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ જેવા જગતના ઉદ્ધારકોની માતૃભૂમિનાં દર્શન કરવા અને તેનો બારીકીથી અભ્યાસ કરવો એ દૃઢ નિશ્ચય તે શિષ્યોને થઈ રહ્યો હતો; એટલું જ નહિ પણ પોતાના ગુરૂ-સ્વામી વિવેકાનંદ-ભારતવર્ષના કલ્યાણ માટે જે મહત્ કાર્ય હાથમાં ધરી રહ્યા હતા તેમાં તન, મન, અને ધનથી મદદ કરવાને તેઓ સજ્જ થઈ રહ્યા હતા. હિંદમાં સ્વામીજીએ જે આશ્રમો અને મઠો સ્થાપેલા છે, જનદયાની લાગણીથી જે અનાથાશ્રમ અને દવાખાનાંઓ ઉઘાડેલાં છે, અને ભારતવર્ષના કલ્યાણ માટે તેમણે જે જે માર્ગો યોજેલા છે, તે સર્વમાં તેમના પાશ્ચાત્ય શિષ્યો અને ખાસ કરીને તેમના અંગ્રેજ શિષ્યોજ સહાયભૂત થયેલા છે. ખરેખરા વેદાન્તીઓ તો તેજ બનેલા છે. સ્વામીજીના બોધથી તેમણે સ્વદેશનો, દેશના આચારોનો અને ઘરબારનો ત્યાગ કરેલો છે અદ્વૈતવાદના પરમસિદ્ધાંત “सर्वम् खलु इदम् ब्रह्म"ને તે તેઓજ બરાબર સમજેલા છે. ખરા વેદાન્તીઓ બની વેદાન્તમય જીવન તેઓ ગાળી રહેલા છે અને જે સમજ્યા છે તેને કૃતિમાં મૂકી રહેલા છે. તેમનું જીવન ભારતવર્ષના લાખો મિથ્યા વેદાન્તીઓને અને પોપટીયા પંડિતોને માટે તેમજ કરોડો ઉપલકિયા હિંદુ ધર્મીઓને માટે જીવતા જાગતા ઠપકા રૂ૫ છે. એ શિષ્યો અને તેમના કાર્યની કંઈક ઓળખાણ આ સ્થળે કરાવવી આવશ્યક છે.

અમેરિકામાં મિસ વોલ્ડો નામની શિષ્યા તેમનું કાર્ય ચલાવી રહી હતી. તેણે સ્વામીજી અને હિંદુ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા, ભક્તિ અને ખંતથી પ્રેરાઈને પોતાનું નામ પણ "હરિદાસી” એવું ધારણ કરેલું છે. તેણે પોતાનું સમસ્ત જીવન ફેરવી નાખી અદ્વૈતવાદની ધ્વજા