પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૧
સ્વામીજીના પાશ્ચાત્ય શિષ્યો.


રીતે તે હિંદવાસીઓને લેખોદ્વારા ચખાડતી હતી. વેદાન્તનાં ઉંડાં સત્યોમાં તેનું મન રમમાણ થઈ રહ્યું હતું અને તેની સાથે તે સત્યોને કૃતિમાં મૂકવાનું તે કદી ચૂકતી નહોતી. જ્ઞાનયોગની સાથે કર્મયોગને પણ તે આચરી રહી હતી. સ્વામીજીનાં વચનો, કાર્યો અને વિચારોનું ઉડું રહસ્ય સમજાવવામાં બહેન નિવેદિતાએ જે અપૂર્વ બુદ્ધિ વાપરી છે તેવી કોઈ અન્ય શિષ્યે ભાગ્યેજ વાપરી હશે.

સ્વામીજી હિંદમાં પાછા આવ્યા ત્યારે તે પણ ભારતવર્ષમાં આવ્યાં અને સ્વામીજીની દેખરેખ નીચે હિંદુ સ્ત્રીઓને કેળવવાનું મહત્‌ કાર્ય તેમણે આરંભ્યું. કલકત્તામાં એક મકાન ભાડે રાખીને તે શ્રી શારદાદેવીની પાસે રહેતાં હતાં.

પાશ્ચાત્ય જીવનના ભોગવિલાસ અને ઠાઠનો ત્યાગ કરીને એક ધર્મ ચુસ્ત હિંદુના આચાર વિચાર તે ધારણ કરી રહ્યાં હતાં, અને બ્રહ્મચારિણીનું જીવન ગાળી રહ્યાં હતાં. ધીમે ધીમે સ્વામીજી તેમને સંન્યાસનાં અધિકારી બનાવતા હતા. આખરે તે સંન્યાસીની થઇ રહ્યાં અને સંન્યાસીની જેવોજ પોશાક પહેરવા લાગ્યાં. ભારતવર્ષ અને ભારતીય પ્રજા, તેમના સામાજિક, આર્થિક અને ધાર્મિક અનુભવો અને પ્રશ્નો, તથા હિંદનું પ્રાચીન ગૌરવ, એ હવે તેમની વ્હાલામાં વ્હાલી વસ્તુઓ બની રહી. હિંદુ આદર્શોને તે પાશ્ચાત્યોની બુદ્ધિ અને તર્કનો ઉપયોગ કરી આધુનિક વિચારોમાં દર્શાવવા લાગ્યાં. સ્વામી વિવેકાનંદ તેમને ઉત્તેજન આપતા હતા. હવે તે જાહેરમાં આવવા લાગ્યાં અને એક ગ્રંથકાર અને ચુસ્ત હિંદુ તરીકે તે સર્વત્ર પ્રસિદ્ધ થઈ રહ્યાં. તેમનાં પુસ્તકો તેમનો ભારતવર્ષનો બારીક અભ્યાસ જણાવે છે.

પશ્ચિમમાં પણ તેમની કીર્તિ એક પંડિતા અને વિચારક તરીકે ફેલાઈ રહી હતી. પંદર વર્ષ સુધી એ બાઈએ પોતાના ગુરૂના ધાર્મિક, સામાજિક અને કેળવણી વિષયક વિચારોને ઘણા ભક્તિભાવ