પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૩૮

કોટિનો કહેવાય ! જે ભૂમિમાં તે અવતરે છે અને જે સમયમાં તે જન્મે છે, તે ભૂમિ અને તે સમયને ધન્ય છે ! તેના પારમાર્થિક જીવનના અભ્યાસ વડે અભ્યાસીના અંતરમાં રહેલો મોહ નષ્ટ થઇને યથાર્થ વસ્તુ દૃષ્ટિએ પડે છે. અનેક જીવોના હૃદયમાં ઉચ્ચ સંસ્કાર જાગૃત થઈને તેમનું જીવન ઉચ્ચગામી બને છે.

સ્વામી વિવેકાનંદજીના દેહાવસાન પછી તેમના અસંખ્ય મિત્રો, સ્નેહીઓ અને અનુયાયીઓ તરફથી એવી ઇચ્છા દર્શાવવામાં આવતી હતી કે તેમની જીવનકથા જનસમૂહની આગળ મૂકાય તો તે બહુ લાભદાયી નિવડે. પણ સ્વામી વિવેકાનંદ, જેમના વિષે પૌર્વાત્યો તેમજ પાશ્ચાત્ય અતિ પ્રશંસાયુક્ત વચન ઉચ્ચાર્યા કરતા હતા, તેમના ચારિત્ર્યને યોગ્ય ન્યાય આપી તેમની જીવનકથા લખવાનું કાર્ય ઘણું જ કઠિન હતું. કોઈ તેમને જુના વિચારના હિંદુ ધારતા તો કોઈ ખરેખરા સુધારક માનતા; કોઈ તેમને દેશોદ્ધારક તરિકે ગણતા તો કોઈ ધાર્મિક પરિવર્તનકાર તરિકે લેખતા. આમ એ મહાન વ્યક્તિના ચારિત્ર્ય તરફ સર્વ કોઈ આશ્ચર્યથી જ જોઈ રહેતું. જેમ જેમ વધારે આશ્ચર્યથી તેનું નિરીક્ષણ કરવામાં આવતું તેમ તેમ તેમની ઉંડી જીવનકથા જાણવાની લોકોની જીજ્ઞાસા વધારે ને વધારે વૃદ્ધિને પામતી. સર્વ કોઈ આશ્ચર્યથી પૂછતું કે “આવા અનુપમ સ્વાર્થ ત્યાગ, વૈરાગ્ય અને સ્વદેશાભિમાનવાળી આ વ્યક્તિ કોણ હશે ? પોતાના અગાધ જ્ઞાન વડે પાશ્ચાત્યોને પણ હંફાવનાર આ દૈવી પુરૂષ કોણ હશે?”

આથી કરીને સ્વામી વિવેકાનંદનું સંક્ષિપ્ત જીવનચરિત્ર અંગ્રેજીમાં બહાર પાડવું એમ આ લેખકની ઈચ્છા થઈ. કાર્ય કઠિન છતાં સ્વામીજી તરફના ભક્તિભાવને લઈને તે આરંભાયું અને પ્રભુકૃપાથી તેમનું સંક્ષિપ્ત જીવનચરિત્ર અંગ્રેજીમાં બહાર પાડવામાં આવ્યું. ત્યારપછી કેટલેક વર્ષે સ્વામીજીના પૌવાર્ત્ય અને પાશ્ચાત્ય ભક્તોએ તેમનું