પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


મોટો અવાજ સર્વત્ર વ્યાપી રહ્યો. શ્રોતાઓનાં મન ઉપર ભારે અસર થઈ રહી. એક સુશિક્ષિત સ્ત્રી બોલી ઉઠી: “ખ્રિસ્તી દેવાલયોની અંદર મેં અસંખ્યવાર નિયમિતપણે બોધ સાંભળેલો છે; પણ મને તે નિઃસત્વ, એકદેશી, શુષ્ક અને નિરસજ જણાય છે. તે છતાં પણ હું દેવાલયોમાં જતી હતી. તેનું કારણ એજ કે બીજાઓ તેમ કરતા હતા. સ્વામીજીનો બોધ સાંભળ્યા પછી ધર્મ વિષયમાં મને કાંઈ ઓરજ પ્રકાશ મળે છે. મને તેનો કંઈક નવીનજ અર્થ સમજાયો છે.”

સ્વામીજી હવે આગળ બોલવા લાગ્યા “મને સત્યનું દર્શન કેવી રીતે થયું તે હું તમને કહીશ.” આ વિષય કહેતે કહેતે સ્વામીજીએ શ્રીરામકૃષ્ણ પરમહંસનું જીવનવૃત્તાંત કહી સંભળાવ્યું. તેમની સાદાઈ અને ભવ્ય ચારિત્ર્ય, સત્ય શોધવાને માટે તેમનો અથાગ શ્રમ, ધર્મનાં જુદાં જુદાં સ્વરૂપ સમજવાનો તેમનો પ્રયાસ, સત્યનું શોધન અને તે વિષે તેમના દિવ્ય ઉદ્‌ગારો, એ સર્વે બાબતોનું દિગ્દર્શન કરાવ્યા પછી છેવટે સ્વામીજી બોલી ઉઠ્યા કે, “હવે તો જ્યાં જ્યાં હું જોઉં છું ત્યાં ત્યાં સત્યજ છે ! સત્યનું શોધન હું કરી શક્યો, તેનું મુખ્ય કારણ એજ કે પ્રથમથી જ સત્ય મારા હૃદયમાં વસી રહેલું હતું. સર્વના હૃદયમાં તે એવી રીતે પ્રથમથીજ વસી રહેલું છે અને તેથી સર્વ કોઈ તેને મેળવી તથા અનુભવી શકે તેમ છે. એને તમારી જાતની બહાર શોધ્યા કરીને નાહકના તમારી જાતને છેતરશો નહિં. એમ ધારશો નહિ કે સત્ય તમને આ ધર્મમાંથી કે બીજા ધર્મમાં વટલાવાથી જ જડશે, તે તો તમારા પોતાનાજ હૃદયમાં છે. તમારો પંથ તમને તે બતાવશે નહિ, પણ તમારેજ તેને શોધી કહાડીને તમારા પંથમાં દાખલ કરવું જોઇશે. મનુષ્યો અને ઉપદેશકો, એક યા બીજા પેગંબર કે અવતારને માનવાથી તમારો ઉધ્ધાર થશે એમ કહી રહ્યા છે; પણ સાંભળો, સત્ય તો ખુદ તમારા હૃદય–આત્મામાંજ