પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


અને ખરૂં તત્વજ્ઞાન પણ અદ્વૈતવાદજ છે.”

કાર્યના બોજાથી સ્વામીજી હવે થાકી ગયેલા હોવાથી તેઓ કેટલાક મિત્રોનું આમંત્રણ સ્વીકારી યુરોપના બીજા કેટલાક દેશો જોવાને નીકળી પડ્યા. તેમની સાથે મી. સેવીઅર, તેમનાં પત્ની અને મિસ મુલર હતાં. સ્વિટઝરલાંડની મુલાકાત લેવાની સ્વામીજીને ઘણી ઇચ્છા હતી. તે કહેતા કે “મારે બરફના ઢગલા જોવા છે અને પર્વતોમાં રખડવું છે.” તેમનું મન એક પરિવ્રાજક જેવું બની રહ્યું હતું. પ્રવાસી સાધુ તરીકે હિંદમાં તેમણે જે દિવસો ગાળ્યા હતા તે અહીં તેમને બહુજ યાદ આવતા હતા. તેઓ જગતનાં અનેક કાર્યો કરતા, પણ એમનું ચિત્ત તો સર્વદા સાધુના સ્વતંત્ર, જ્ઞાનમય અને ધ્યાનાવસ્થિત જીવનનેજ ચ્હાયા કરતું હતું.

હિમાલય જેવા શાંત અને એકાંત પ્રદેશમાં ક્યારે રહેવાય અને વારંવાર પ્રભુના ચિંતનમાં મનને ક્યારે લય કરી દેવાય એમ તે સદાએ ઇચ્છ્યા કરતા હતા. સ્વીટઝરલાંડમાં પર્વતો ઉપર જ્યારે જ્યારે તે ફરતા અથવા કોઈ ઉંચી જગ્યાએ ઉભા રહેતા ત્યારે ત્યારે તેમની મુખમુદ્રા ઉપર સાધુજીવનની અજબજ મહત્તા, હર્ષ અને સ્વાતંત્ર્યનાં ચિન્હ ઉભરાઈ આવતાં.

પહેલો મુકામ જીનીવામાં કરવામાં આવ્યો. જે વીશીમાં તેઓ ઉતર્યા હતા તે એક શાંત અને સુંદર સરોવરને કિનારે આવેલી હતી. ત્યાંની હવા સ્વચ્છ હતી. સરોવરનું પાણી ઘેરો આસમાની રંગ ધારણ કરી રહ્યું હતું. ઉપર નિર્મળ આકાશ છવાઈ રહ્યું હતું. આસપાસનાં મકાનો અને ક્ષેત્ર રમણીય દિસતાં હતાં. આવો સુંદર દેખાવ જોઈને સ્વામીજી બહુજ ઉલ્લાસમાં આવી ગયા. તે વખતે સ્વીસ લોકોએ બનાવેલી ઉત્તમ વસ્તુઓનું પ્રદર્શન ત્યાં ભરાયું હતું. એ પ્રદર્શનમાં એક બલુન ઉરાડવામાં આવ્યું હતું. સ્વામીજી પોતાના