પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૧
પોલ ડ્યુસનની મુલાકાત.


કેટલાક મિત્રો સાથે તેમાં બેસીને ઉપરના વાતાવરણનો કંઈક અનુભવ લઈ આવ્યા. એ પછીથી ચીલોનનો કિલ્લો જોવાને તે ગયા. પછીથી આલ્પ્સ પર્વતના એકાદ શિખર ઉપર ચ્હડવાનો સ્વામીજીનો વિચાર થવાથી તે પર્વતની તળેટીમાં આવેલા એક ગામડામાં તે સર્વે ગયા અને ત્યાં એક શિખર ઉપર ચડ્યા. આસપાસ વસી રહેલા ગામડીઆઓને જોઈને સ્વામીજી કહેવા લાગ્યા કે “આ લોકોનો પોશાક અને રીતભાત, હિમાલયની ટેકરીઓમાં વસી રહેલા ખેડુતોનું મને સ્મરણ કરાવે છે. આ લોકો પોતાને માથે જે ટોપલીઓ ઉપાડી રહેલા છે તે પણ મારા દેશ બાંધવોના જેવી જ છે.” પછીથી સ્વામીજી હિમાલયનું વર્ણન આપવા લાગ્યા. તેમાં રહીને તેમણે જે જે આધ્યાત્મિક અનુભવ મેળવ્યા હતા તે એ સર્વેને દર્શાવવા લાગ્યા. હિમાલયમાં એક આશ્રમ સ્થાપવાની તે વાત કરવા લાગ્યા. તેમણે કહ્યું કે “મારે એક આશ્રમ સ્થાપવાની ઈચ્છા છે. તે આશ્રમ એવો જોઇએ કે જ્યાં મારા જીવનનું કાર્ય પૂરૂં કર્યા પછી હું એકાંતમાં રહું અને મારા બાકીના દિવસો ધ્યાનમાં વ્યતીત કરૂં. તે આશ્રમ ધ્યાન અને જનહિતના કાર્યનું મધ્યબિંદુ થઈ રહે. ત્યાં મારા પાશ્ચાત્ય અને પૌર્વાત્ય શિષ્યો એકઠા રહેશે અને હું તેમને કેળવીશ. પાશ્ચાત્ય શિષ્યો ભારતવર્ષના હિતનાં કાર્યો કરશે અને પૌવાર્ત્ય શિષ્યો પશ્ચિમમાં વેદાન્તનો પ્રચાર કરવાને માટે જશે.” તેમનો વિચાર સાંભળીને મી. સેવીઅર બોલ્યા: “હા, સ્વામીજી, તેમ બને તો કેવું સારૂં થાય ! એવા મઠની સ્થાપના આપણે કરવીજ જોઇએ.” પોતાના પાશ્ચાત્ય શિષ્યોના હૃદયમાં એ પ્રમાણે નાંખેલો વિચાર આજે મૂર્તિમંત થઈ હિમાલયમાં અદ્વૈત આશ્રમ રૂપે સર્વની દૃષ્ટિએ પડી રહેલો છે.

સ્વામીજી અને તેમના મિત્રો હવે આલ્પ્સ પર્વતની ટેકરીઓ