પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૯
લંડનથી વિદાયગીરી.


વધારેને વધારે આવતા ગયા તેમ તેમ તેમની ખાત્રી થતી ગઈ કે વેદાન્તનાં તત્ત્વો સમજવાને પાશ્ચાત્યોએ હિંદુ થવું જોઈએ; કારણ કે હિંદુ તત્વજ્ઞાન માત્ર તર્કવાદનો વિષય નથી, પણ આધ્યાત્મિક અનુભવની પણ તેમાં આવશ્યકતા છે. વળી પ્રોફેસર મેક્સમુલર પણ સ્વામીજી સાથે પત્રવ્યવહાર ચલાવતા. આ પ્રમાણે લંડનમાં ત્રણ મોટા વિચારકો અને પૌર્વાત્ય વિદ્યાના અભ્યાસીઓ એક બીજાની સાથે વેદાન્તનો વિષય ચર્ચવામાં પોતાનો સમય ગાળી રહ્યા હતા.

લંડનમાં કાર્ય કરીને સ્વામીજી થાકી ગયા હતા. થોડો વખત વિશ્રાંતિ લેવાની તેમને જરૂર હતી; તેથી કરીને તેમણે હવે હિંદુસ્તાન તરફ પાછા ફરવાનો વિચાર કર્યો. એ ઈરાદાથી તે હવે પોતાના કાર્યને વ્યવસ્થિતપણે ગોઠવવા લાગ્યા. હવે તે વેદાન્તનાં કેટલાંક ગૂઢ તત્ત્વોની અસર પાશ્ચાત્યોમાં લાંબા વખત ટકી રહે તેમ કરવાને વેદાન્તની પારમાર્થિક અને વ્યવહારીક ઉપયોગિતા સમજાવવા લાગ્યા. એકાન્ત વાસ અને શાંતિમાં રહીને સ્વામીજીએ જે આધ્યાત્મિક અનુભવો પ્રાપ્ત કર્યા હતા તે સઘળા જાણે કે હવે એક પછી એક જગતની દૃષ્ટિ આગળ તે ધરી દેતા હોય તેમ સર્વને લાગતું હતું. સ્વામીજી હવે ખાસ કરીને અદ્વૈતવાદ ઉપર ભાષણો આપી રહ્યા હતા. અદ્વૈતવાદ હિંદુ તત્વજ્ઞાનનું શિખર છે, સર્વ જ્ઞાનનો તે શિરોમણી છે, તેના વગર વેદાન્તનું જ્ઞાન અધુરું છે. વેદાન્તનો માયાવાદ પણ કઠિન છે. મોટા મોટા પંડિતો અને વિચારકો પણ તેને સમજવામાં ગોથાં ખાઈ ગયેલા છે. એ માયાવાદને સાદા અને સરળ શબ્દોમાં સમજાવવા અને વળી અંગ્રેજી ભાષામાં તે વિષયને પ્રતિપાદન કરીને પાશ્ચાત્યો જેવા અસંસ્કારી મનુષ્યોને ગળે ઉતારવો, એ કામ કેટલું દુઃસાધ્ય છે ? પણ એ દુઃસાધ્ય કાર્યને પણ આપણા વ્હાલા સ્વામીજીએ સુસાધ્ય કરી મૂક્યું છે. ઘરમાં આપણે વાતચીત