પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


કરીએ એવી સાદી ભાષામાં અને સરળ શબ્દોમાં તેમણે માયાવાદને પાશ્ચાત્યો આગળ સમજાવ્યો છે. તે કાર્યમાં તેમણે કેવી અપૂર્વ ફતેહ મેળવેલી છે તે તેમનું “માયા” ઉપરનું ભાષણ વાંચવાથીજ સમજાશે. માયા, ઇશ્વર, બ્રહ્મ, મુક્તિ વગેરે વિષયોને તેમણે આધુનિક વિચારની દૃષ્ટિથી અત્યંત સ્પષ્ટ કરી મૂકેલા છે. એ વિષયો ઉપરનાં તેમનાં ભાષણો સ્વામીજીને અદ્વૈતવાદ પ્રત્યેનો પ્રેમ, તેમાં તેમનો ઉંડો પ્રવેશ, સ્વાનુભવ અને બ્રહ્મનિષ્ઠતાને સિદ્ધ કરી આપે છે. “માયા અને બ્રહ્મ,” “માયા અને મુક્તિ”, “સર્વમાં ઈશ્વર” “ભેદમાં અભેદ” વગેરે વિષયો ઉપરનાં તેમનાં ભાષણો વાંચતાં આપણને માલમ પડી આવે છે કે સ્વામીજી અદ્વૈતવાદના મુખ્ય સિદ્ધાંત एकं सत्: सच्चिदानंदम ब्रह्मः નેજ તે સર્વમાં પ્રતિપાદન કરી રહેલા છે. મનુષ્યનો આત્મા સચ્ચિદાનંદ રૂપ બ્રહ્મ છે. જગત તો માત્ર તેનો એક સ્વરૂપ અને સ્થૂલ આવિર્ભાવ છે; માટે જગત મિથ્યા છે અને બ્રહ્મ સત્ય છે. એ સિદ્ધાંતને અનુસરીને ચાલવામાંજ ખરો ધર્મ સમાઈ રહેલો છે. બુદ્ધિ અને તર્ક પણ આપણને એ માર્ગનુંજ સૂચન કરે છે. આખા યુરોપનું કલ્યાણ પણ એ સિદ્ધાંતને અનુસરવામાંજ રહેલું છે. એમ સ્વામીજી ખાત્રીપૂર્વક પાશ્ચાત્યોને ઉપદેશી રહ્યા હતા. વેદાન્તનાં ઉંચામાં ઉંચાં સત્યોને એક મહાન કવિના જેવી અલૌકિક અને રસપૂર્ણ વાણીમાં દર્શાવવાની સ્વામીજીમાં અસાધારણ શક્તિ હતી. તેમનાં કથનોના ટેકા રૂપ તેમનું ભવ્ય ચારિત્ર સર્વને મોહ પમાડતું હતું અને તેના પ્રભાવથી તેમનો બોધ સર્વને સચોટ લાગતો હતો. જાણે કે મેઘની ગર્જના થતી હોય તેમ તેમના શબ્દો મુખમાંથી બહાર આવતા અને તેમાં દર્શાવાયલું સત્ય વિજળીના ચમકારાની માફક સર્વને આંજી નાખતું. “માયા” વિષેના એક ભાષણમાં સ્વામીજી એટલી બધી ઉન્નત અવસ્થામાં વિચરી રહ્યા