પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૩
લંડનથી વિદાયગીરી.


શોકની છાયા છવાઈ રહેલી હોવાથી બહારની નિસ્તેજતામાં ઉમેરો થતો હતો. સર્વની વચમાં એક આકૃતિ શોકને દબાવતી, તેના ઉપર જય મેળવતી દૃશ્યમાન થતી હતી. તે આકૃતિ સ્વામીજીની હતી. સભાનું કામ પૂરૂં થયા પછી સૂર્યના તેજસ્વી કિરણની પેઠે સ્વામીજી સૌની વચમાં થઈને પસાર થઈ ગયા. જતાં જતાં તે બોલ્યા: “હા, હા, આપણે ફરીથી મળીશું ! ફરીથી મળીશું !”

ઉપનિષદોનાં ભવ્ય, ઉદાત્ત અને વિશાળ તત્ત્વોથી આકર્ષાઈને ભિન્ન ભિન્ન વિચારોને ધરાવનારા અસંખ્ય મનુષ્યો અને લંડનના પાદરીઓ સુદ્ધાં ભેદભાવને ભૂલી વેદાંતનાં મહાન સત્યને અનુસરવા અને ઉપદેશવા યત્ન કરતા. ખ્રિસ્તી ધર્મનાં દેવાલયમાં તેઓ વિવેકાનંદનાં વખાણ કરતા અને તેમના બોધ પ્રમાણે ખ્રિસ્તી ધર્મનો ઉપદેશ કરતા નજરે આવતા. આ પ્રમાણે સ્વામીજીનું નામ અને કીર્તિ સર્વત્ર ફેલાતાં હતાં. અંગ્રેજોને મન સ્વામીજી પરમ શાંતિ અને સુલેહના વાહક હતા. જડવાદથી નિરાશ થયેલા અનેક અંગ્રેજોના આત્માને તેમનો બોધ તૃપ્તિ આપી રહ્યો હતો. ઉપર પ્રમાણે સ્વામીજીનું નામ લાખો મનુષ્યોમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યું હતું, તોપણ સઘળાં સ્ત્રીપુરૂષોને તેમની ખબર મળી શકી નહોતી. કેટલાંકને તો તેમની ખબર થઈ ત્યારે સ્વામીજી ઈંગ્લાંડ છોડવાની તૈયારીમાં હતા, તેથી તેઓ માત્ર માનપત્ર આપવાની ક્રિયામાં જ ભાગ લઈ શક્યા હતા. માનપત્ર આપવાની ક્રિયા અપૂર્વ લાગતી હતી; કારણકે “ગુરૂભક્તિ” એ પાશ્ચાત્યોને મન એક તદ્દન નવીન વસ્તુજ હતી. સ્વામીજીને જે માનપત્ર આપવામાં આવ્યું હતું તે નીચે પ્રમાણે હતું:—

“લંડનમાં વસતા અમે વેદાન્તના અભ્યાસીઓ તમારો ઉમદા અને અનુપમ બોધ ગ્રહણ કરી રહેલા છીએ. તમે જે શ્રેષ્ઠ અને નિઃસ્વાર્થ કાર્ય કરવાનું આરંભેલું છે અને ધર્મના અભ્યાસમાં તમે