પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


અમને જે સહાય કરી રહેલા છો, તેને માટે અમે અમારો આભાર પ્રદર્શિત કર્યા વગર રહીએ તો તે અમારી કર્તવ્યપરાયણતામાં એક મોટી ખામી કહેવાય. અમને ઘણીજ દિલગીરી થાય છે કે તમે જલદીથી ઈંગ્લાંડ છોડીને જવાના છો ! પણ હિંદમાં રહેલા અમારા ભાઈઓ અને બહેનોનો પણ તમારા કાર્ય ઉપર તેટલોજ હક્ક જો અમે સમજીએ નહિ તો પછી તમે અમને જે સુંદર તત્ત્વજ્ઞાન સમજાવ્યું છે તેના અમે ખરેખરા અભ્યાસીઓ કહેવાઈએ નહિ. તમારા વિશાળ અને ભવ્ય બોધની અસર જેમનાં મન ઉપર થયેલી છે તે સર્વેની પ્રભુને પ્રાર્થના છે કે તમે તમારા કાર્યમાં સદાએ જયવંત થાઓ. તમારા અંગત ગુણો વેદાન્તના સિદ્ધાંતોનો જીવંત દૃષ્ટાંત છે. તેમનાથી અમને ઘણુંજ ઉત્તેજન મળેલું છે અને તે ઉપરથી અમે પ્રભુના સાચા ભક્તો– વિચારમાં અને ક્રિયામાં–થવાને મથી રહેલા છીએ.”

“તમે આ દેશમાં જલદીથી પાછા આવો એમ અમે ઘણીજ આતુરતાથી ઇચ્છી રહેલા છીએ. હિંદુસ્તાન તરફ નવીજ દૃષ્ટિથી જોવાનું અને તેની પ્રજા ઉપર પ્રીત રાખવાનું તમે અમને શિખવેલું છે, તે હિંદુસ્તાનના લોકો તમારી ઉદાર સેવાના અમારી સાથે ભાગી થશે એમ જાણીને અમને ખરેખર આનંદ થાય છે. અમે તમને પ્રાર્થના કરીએ છીએ કે તમે અમારા તરફથી ભારતવાસીઓને વિદિત કરશો કે તેમના તરફ અમારી પ્રીતિ અને સહાનુભૂતિ સદાએ છે અને તેમની ખાત્રી કરી આપશો કે તેમના કાર્યને અમારૂંજ કાર્ય અમે ગણીએ છીએ; કારણકે પ્રભુની આગળ આપણે બધા એકજ છીએ, એમ અમે તમારા બોધથી અનુભવી રહેલા છીએ.”

એ માનપત્રના શબ્દો સાંભળીને સ્વામીજીને ઘણુંજ લાગી આવ્યું અને તેનો જવાબ તેમણે ગદ્‌ગદ્‌ કંઠે વાળ્યો. તેમના શબ્દો અત્યંત ભાવ અને આધ્યાત્મિક જુસ્સાથી ભરપુર હતા.