પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


લખ્યું હતું;– “સ્વામી વિવેકાનંદ આજે ગયા છે !… તેમને જતી વખતે ભારે માન આપવામાં આવ્યું હતું. તેમના પ્રભાવની અસર ઘણાં મનુષ્યોનાં હૃદયમાં ઉંડી ઉતરી રહેલી છે. અમે હવે તેમનું કામ ઉપાડી લેવાના છીએ. તેમના ગુરૂભાઈ અભેદાનંદ અમને તે કાર્યમાં મદદ કરશે; કેમકે તે પણ એક સુંદર, આકર્ષક અને યુવાન સાધુ છે.”

“તમારું ધારવું ખરૂં છે. સ્વામી વિવેકાનંદ જવાથી હું ઘણોજ દિલગીર થઈ ગયેલો છું. મારા આખા જીવનમાં તેમના જેવા ઉમદા મિત્ર અને પવિત્ર ઉપદેશક મને કદીએ મળ્યા નથી. પૂર્વ જન્મમાં મેં કંઈ પુણ્ય કરેલું હશે તેને લીધેજ મને તે મળેલા છે. મારી જીંદગીમાં જે જે હું ઈચ્છતો હતો તે સર્વ મને તેમનાથી પ્રાપ્ત થયેલું છે.”

મિસ મારગરેટ નોબલે સ્વામીજીના પ્રબળ પ્રભાવનો ચિતાર નીચે પ્રમાણે આપેલો છે:–

“અમારામાંના ઘણાને વિવેકાનંદનો બોધ તરસ્યાને પાણી મળે તેવો થઈ રહેલ છે. અમારામાંના ઘણાને ધર્મની બાબતમાં નિરાશા અને સંશય ઉત્પન્ન થઈ રહેલાં હતાં; અને યૂરોપના બુદ્ધિમાન પુરૂષોનું જીવન પચાસ વર્ષથી તેવુંજ થઈ રહેલું છે. ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો માનવાનું અમારે માટે અશક્ય થઈ ગયું હતું અને તેમાંથી સાર શી રીતે શોધી કહાડવો તે અમને સુઝતું નહોતું. હવે સ્વામીજીના પ્રતાપથી તે અમને સુઝ્યું છે. વેદાન્તના બોધથી અમારી બુદ્ધિ હવે સિદ્ધાંતોને ગ્રહણ કરવા લાગી છે. હિંદુ તત્ત્વજ્ઞાનથી તેમાં નવો પ્રકાશ રેડાયો છે. અત્યાર સુધી જે અસંખ્ય લોકો અંધારામાંજ અથડાતા હતા તેમણે હવે સત્યના પ્રકાશને જોયો છે.”

ભારતહિતૈષી બિપિનચંદ્ર પાલ પણ તે વખતે લંડનમાં હતા.