પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૧
પ્રાચિન રોમનગરમાં અને સ્ટીમરમાં.


સર્વ ઇટાલીમાં આવી પહોંચ્યાં. મિલાન, પીસા, ફ્લોરેન્સ વગેરે સ્થળો તેમણે જોયાં અને આખરે સર્વે રોમમાં આવી પહોંચ્યા. સ્વામીજી રોમના ઇતિહાસના મોટા અભ્યાસી હતા. જ્યારે તે કોલેજમાં ભણતા હતા અને રોમના બનાવો અને રોમનોનાં ભવ્ય ચારિત્રો વિષે વાંચતા હતા ત્યારથીજ રોમને નિહાળવાની તેમની ઉત્કટ ઇચ્છા થઈ રહી હતી. દિલ્હીની માફક રોમને પણ જગતનું એક મધ્યબિંદુ સ્વામીજી ધારતા. દિલ્હી પૂર્વનું મધ્યબિંદુ છે અને રોમ પશ્ચિમનું છે એમ તે કહેતા. રોમમાં આવી પહોંચતાં પહેલાં સ્વામીજી તેની પ્રાચીન કીર્તિનું વર્ણન કરી રહ્યા હતા અને આબેહુબ ચિતાર શ્રોતાઓનાં મનમાં ખડો થયો હતો. રોમનાં પ્રાચીન ખંડેરો જોવાનું કાર્ય રસમય હતું. વળી પાદરીઓથી ભરેલું રોમ, મધ્યકાળનું રોમ, અર્વાચીન રામ, કળા કૌશલ્ય અને વિદ્યાના વિસ્તારવાળું રોમ, એમ જુદી જુદી દૃષ્ટિથી સ્વામીજી તેને દર્શાવી રહ્યા હતા. રોમમાં એક અઠવાડિયું ગાળી ત્યાંનાં જુદાં જુદાં સ્થળોની મુલાકાત તેમણે લીધી હતી રોમના વિચારોથી સ્વામીજી મસ્ત બની રહ્યા. પ્રાચીન રોમની મહત્તા, પ્રજા, કીર્તિ અને વિદ્યાનું વર્ણન તે અદ્ભુત રીતે આપવા લાગ્યા. શ્રોતાઓ કહેવા લાગ્યા કે “સ્વામીજી ! આ તો નવાઈ જેવું કહેવાય ! રોમના ખુણે ખુણાની વાત તમે જાણો છો.” અર્વાચીન યૂરોપ ઉપર રોમની વિદ્યા અને સંસ્કૃતિએ કેવી ભારે અસર ઉપજાવેલી છે તે હવે સ્વામીજીના શિષ્યો સમજી શક્યા. રોમનાં દેવાલય, મહેલો, રોમન કેથોલીક પાદરીઓની યોજનાશક્તિ, વગેરેનો ખ્યાલ સ્વામીજી આપવા લાગ્યા. સેંટ પીટરના દેવાલયમાં ઘણા ભક્તિભાવથી સ્વામીજીએ પ્રવેશ કર્યો. તેનો ભવ્ય અને વિસ્તારવાળો ઘૂમટ સૌની દૃષ્ટિએ પડ્યો. તેની અંદરનું શિલ્પકામ સ્વામીજી બારિકાઇથી તપાસવા લાગ્યા. ત્યાં ઉભેલી એક બાઈ તેમને કહેવા લાગી કે “આ