પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


નહિ હોય એવું અપ્રતિમ માન સ્વામી વિવેકાનંદને આપ્યું હતું, સ્વામી વિવેકાનંદના કાર્યથી ભારતવાસીઓમાં એક પ્રકારનો નવીન જુસ્સો વ્યાપી રહ્યો હતો. હિંદુઓ તેમને તેમના જુના પુરાણા પણ અત્યંત તિરસ્કરાયેલા ધર્મના પુનરોદ્ધારક ગણતા હતા. તેમના બોધથી હિંદુ ધર્મનું ખરું સ્વરૂપ ભારતવાસીઓ સમજવા લાગ્યા હતા અને તે સમજવાની સાથે તેમનામાં સ્વાભિમાન અને સ્વશક્તિનું ભાન પ્રગટ થઈ રહ્યાં હતાં. હિંદુધર્મ સર્વે ધર્મોની જનની છે, તેના સેવનથી પ્રાચીન ઋષિઓ મહત્ કાર્યો કરવાને શક્તિમાન થયા હતા અને તેજ ધર્મના સેવનથી તેજ ઋષિઓના વંશજો અમે–ભારતવાસીઓ મહત્ કાર્યો કેમ ન કરી શકીએ ? એવી પ્રબળ ભાવના દરેક હિંદુના મનમાં ખડી થઇ રહી હતી. ત્રણ વર્ષથી ભારતની પ્રજા જોઈ રહી હતી કે સ્વામી વિવેકાનંદ હિંદુઓના પ્રાચીન ધર્મને પાશ્ચાત્ય પ્રજાઓ આગળ સમજાવી રહેલા છે; તેમની અસાધારણ શક્તિના પ્રહાર આગળ વિજ્ઞાનશાસ્ત્રના સિદ્ધાંતો પણ બળહીન થઈ રહેલા છે. અદ્વૈતવાદ એક મજબુત ખડક જેવો છે. તેને આધુનિક વિચારો રૂપી અનેક વહાણો અથડાય છે, છતાં તેની એક રજ પણ ઉખાડી શકતાં નથી અને ઉલટાં તે પોતેજ ભાંગી જાય છે. અમેરિકાનું એક વર્તમાનપત્ર ઠીકજ કથી રહ્યું હતું કે;– “સ્વામીજીની સાથે વાદ કરવાની હિંમત કરનારના તો ભોગજ મળતા ! કોઈ મનુષ્ય એક વસ્તુને જેમ ભાલા ઉપર ઉછાળે તેમ વાદ કરનારના વિચારોને સ્વામીજી તેમના બુદ્ધિ રૂપી પ્રકાશિત ભાલા ઉપર ઉછાળતા !” સ્વામીજીનાં ભાષણો વાંચીને હિંદના પણ પુષ્કળ સુશિક્ષિત મનુષ્યો સ્વધર્મ પ્રત્યે માનની લાગણીથી જોવા લાગ્યા હતા. સનાતન આર્યધર્મની મહત્તા અને ભવ્યતા હવે તેમની નજરે પડવા લાગી હતી. પાશ્ચાત્યો સ્વામીજીના વૈરાગ્ય, બુદ્ધિ અને સ્વદેશ પ્રીતિનાં જે ભારે વખાણ કરી રહ્યા હતા તેને લીધે સમસ્ત ભારતવર્ષ સ્વામીજી